કાનપુર પોલીસે રૂ.1,500 કરોડના આંતરરાષ્ટ્રીય છેતરપિંડી કેસના માસ્ટરમાઇન્ડ રવિન્દ્રનાથ સોનીના નેટવર્કને કથિત રીતે પ્રોત્સાહન આપવા બદલ બોલીવુડ અભિનેતા સોનુ સૂદ અને રેસલર ધ ગ્રેટ ખલીને પૂછપરછ માટે કાયદાકીય નોટિસ જાહેર કરી છે. પોલીસ કમિશનર રઘુબીર લાલના જણાવ્યા મુજબ આ છેતરપિંડીનો ભોગ 700થી વધુ લોકો બન્યા છે.
છેતરપિંડીનું આંતરરાષ્ટ્રીય નેટવર્ક
દિલ્હીના માલવિયા નગરના રહેવાસી રવિન્દ્રનાથ સોની લગભગ સાત વર્ષથી આ છેતરપિંડીનું નેટવર્ક ચલાવતો હતો. તેની પ્રાથમિક કંપની બ્લુચિપ કોમર્શિયલ બ્રોકર્સ 2018થી સક્રિય હતી અને બ્લુચિપ ઇન્વેસ્ટમેન્ટ્સ એલએલસી સહિત અન્ય 16 કંપનીઓ સાથે જોડાયેલી હતી. તે રોકાણકારોને ઊંચા વળતરનું વચન આપીને રિયલ એસ્ટેટ અને સોનાની ખાણકામ જેવા ક્ષેત્રોમાં રોકાણ કરવા લલચાવતો હતો. 90% પીડિતો ભારતના હતા, જ્યારે 10% નેપાળ, વિયેતનામ, જાપાન અને યુનાઇટેડ સ્ટેટ્સ જેવા દેશોના વિદેશી રોકાણકારો હતા.













