મધ્યપ્રદેશની રાજધાની ભોપાલના ગોવિંદપુરા ઔદ્યોગિક વિસ્તારમાં બુધવારે બપોરે એક ફેક્ટરીમાં ગેસ લીકેજ થવાથી ભારે હંગામો મચી ગયો છે. આ દરમિયાન ફેક્ટરી અને તેની આસપાસ હાજર લોકોને આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. ઘટનાની જાણ તાત્કાલિક પોલીસ, ફાયર બ્રિગેડ અને SDERF ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને સ્થિતિને કાબૂમાં લીધી.
1 કલાકમાં પરિસ્થિતિ કાબૂમાં આવી
ખૂબ જ કાળજીપૂર્વક ગેસ લીકેજને કાબુમાં લીધો અને ફેક્ટરીમાં હાજર તમામ લોકોને બચાવી લીધા છે. ગોવિંદપુરા ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી હિંદ ફાર્મા ફેક્ટરીમાં બપોરે 3.30 વાગ્યે આ ઘટના બની હતી. માહિતી મળતાં જ ગોવિંદપુરાના SDM રવિશ કુમાર શ્રીવાસ્તવ, SDERF, મ્યુનિસિપલ કોર્પોરેશન ફાયર બ્રિગેડ, પોલીસ અને વીજળી કંપનીના સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ પછી કોસ્ટિક સોડા ઉમેરીને ગેસને નિષ્ક્રિય કરવામાં આવ્યો હતો. લગભગ એક કલાકમાં પરિસ્થિતિ કાબૂમાં આવી ગઈ. જોકે, આ દરમિયાન ગેસથી પ્રભાવિત લોકો રડવા લાગ્યા અને તેમને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી. બચાવ કામગીરી દરમિયાન બધાએ માસ્ક પહેરીને કામ કર્યું. એસડીએમના જણાવ્યા મુજબ, ગેસને સમયસર કાબૂમાં લેવામાં આવ્યો હતો અને કોઈને ગંભીર નુકસાન થયું ન હતું.
વેસ્ટ કેમિકલમાં કોઈ કારણસર આગ લાગી
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે ફેક્ટરીમાં રહેલ ક્લોરીન વેસ્ટથી ક્લોરીન ટેબલેટ બનાવવામાં આવે છે. વેસ્ટ કેમિકલમાં કોઈ કારણસર આગ લાગી અને આગ પર કાબૂ મેળવવા માટે જ્યારે લોકોએ તેની પર પાણી નાખ્યું તો તેને રાસાયણિક પ્રતિક્રિયા થઈ અને ક્લોરીન ગેસ લીકેજ થવાનું શરૂ થઈ ગયો. જો કે ત્યારબાદ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી અને સ્થિતિને નિયંત્રણમાં લેવામાં આવી. હાલમાં સ્થિતિ સામાન્ય છે અને ફેક્ટરીમાં ચાલી રહેલા તમામ ઓપરેશન અટકાવી દેવામાં આવ્યા છે.