મધ્યપ્રદેશના મુરૈનામાં એક ભયંકર દુર્ઘટના સર્જાઈ છે, જેમાં આગની અફવાએ ચાર લોકોના જીવ લઈ લીધા છે. મળતી માહિતી મુજબ ઉદયપુર ઈન્ટરસિટી એક્સપ્રેસમાં આગ લાગ્યાની અફવા ફેલાતાં મુસાફરોમાં ગભરાટ ફેલાયો અને અનેક મુસાફરો પોતાના જીવ બચાવવા માટે ચાલતી ટ્રેનમાંથી રેલવે ટ્રેક પર કૂદી પડ્યા હતા.
ટ્રેક પર કૂદેલા મુસાફરો ટ્રેનની ચપેટમાં આવી ગયા
આ જ સમયે સામેના ટ્રેક પર પાતાલકોટ એક્સપ્રેસ (ટ્રેન નંબર 20424) પસાર થઈ રહી હતી. ટ્રેક પર કૂદેલા મુસાફરો આ ટ્રેનની ચપેટમાં આવી ગયા, જેના કારણે ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા. મૃતકોમાં ત્રણ મહિલાઓ અને એક બાળકનો સમાવેશ થાય છે. મૃતકોની ઓળખ આફરીન (35), અશદ (4), શકુંતલા (60) અને વીરમા દેવી (58) તરીકે થઈ છે.













