છેલ્લા ઘણા સમયથી શિવસેના પાર્ટી સમસ્યાઓની સીડી પર ચાલી રહી હોય એવું લાગી રહ્યું છે, સૌથી પહેલા તો શિવસેનાના બે ભાગલા થઈ જવા અને ત્યાર બાદ પાર્ટીનો એક ભાગ જે ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં છે, તેમાંથી દિગ્ગજ નેતાઓનું અન્ય રાજકીય પાર્ટી તરફ આકર્ષણ એ ખૂબ મોટી સમસ્યા છે.
ઉદ્ધવ ઠાકરેને લાગ્યો મોટો ઝટકો
ઉદ્ધવ બાળા સાહેબ ઠાકરે એટલે UBT એ ઉદ્ધવ ઠાકરેના પ્રમુખ પદ વાળી શિવસેના પાર્ટી છે. હાલ આ પાર્ટી માટે રાજનીતિના ચઢાણ થોડા કપરા બની રહ્યા છે , કારણ કે નાસિકમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેના UBTને એક મોટો ઝટકો લાગ્યો છે. વરિષ્ઠ નેતાઓ બબનરાવ ઘોલપ અને સુધાકર બડગુજર સહિત ઘણા નેતાઓ કેસરિયા કરીને ભાજપમાં જોડાયા છે. શિવસેનાના નેતાઓનો આ પક્ષ પલટો આગામી ચૂંટણી પહેલા ભાજપને ચોક્કસથી મજબૂત બનાવશે, જ્યારે શિવસેના UBT માટે ચિંતાનો વિષય બની શકે એમ છે.
મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ
રાજકારણમાં કયા નેતા ક્યારે કઈ પાર્ટી પ્રત્યે પ્રેમ દેખાડે એ ખરેખર ધારી શકાય એમ નથી. પાર્ટીનો સમય થોડો હાલક ડોલક થતો હોય ત્યારે ઘણા નેતા પાર્ટી સાથે છેડો ફાડીને અન્ય પાર્ટી સાથે જોડાતા હોય છે. એવામાં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના UBTમાં પણ કઈક આવુજ થયું છે. પાર્ટીના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ મંત્રી બબનરાવ ઘોલપ ભાજપમાં જોડાયા છે. મંગળવારે નાસિકમાં ભાજપ પ્રદેશ કાર્યાલયમાં આયોજિત એક ખાસ સમારોહમાં ઘોલપે ભાજપનું સભ્યપદ લીધું. આ પ્રસંગે ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રશેખર બાવનકુલે, મંત્રી રવિન્દ્ર ચવ્હાણ અને કેબિનેટ મંત્રી ગિરીશ મહાજન હાજર રહ્યા હતા.
બડગુજરને સંજય રાઉતના વિશ્વાસુ માનવામાં આવતા હતા
એક સમય હતો જ્યારે ઘણા ગુનાહિત કેસોમાં જેમની પર આરોપ લાગ્યા છે, એવા સુધાકર બડગુજર પર શિવસેનાએ ખૂબ વિશ્વાસ કર્યો હતો. સુધાકર બડગુજરને સંજય રાઉતના વિશ્વાસુ પણ માનવામાં આવતા હતા. પરંતુ શિવસેનાના કપરા સમયે રૂપાળા શિંગડાએ દગો દીધો હોય એવો હાલ ઘાટ ઘડાયો છે. સુધાકર બડગુજર નાસિક મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અપક્ષ કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા. તે સમયે બડગુજરે શિવસેનાને ટેકો આપ્યો હતો. ત્યારબાદ 2008 માં તેઓ શિવસેનામાં જોડાયા. 2009 થી 2012 સુધી, તેઓ નાસિક મ્યુનિસિપલ કોર્પોરેશનના નેતા હતા. ઉપરાંત, 2012 થી 2015 સુધી, બડગુજર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિરોધ પક્ષના નેતા હતા. હવે તેઓ પણ ભાજપમાં જોડાયા છે.













