મહારાષ્ટ્રના બીડમાં એક મોટો માર્ગ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત બીડ શહેરમાં સોલાપુર-ધુલે નેશનલ હાઈવે પર નમલગાંવ ફાટા ફ્લાયઓવરની પાસે થયો છે. ધુલે-સોલાપુર નેશનલ હાઈવે પર બીડ શહેરના નમલગાંવ ફાટા ફ્લાયઓવરની પાસે શનિવારે સવારે લગભગ 7.30 વાગ્યાની આસપાસ આ અકસ્માત સર્જાયો છે. એક પુરપાટ ઝડપે આવી રહેલા કન્ટેનરે ચાલતા જઈ રહેલા 6 લોકોને અડફેટે લીધા છે, જેમાંથી 4 લોકોના મોત થયા છે.
પોલીસે કન્ટેનર ચાલકની પુછપરછ કરી
જ્યારે અન્ય બે લોકો આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા છે. જેમને સારવાર માટે તાત્કાલિક બીડની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલોની હાલમાં હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામાં ઘાયલ અને મૃતક દર્શન કરવા માટે પેંડગામ જઈ રહ્યા હતા. જો કે મૃતકો અને ઘાયલોના નામ હજુ સુધી જાણી શકાયા નથી. તમને જણાવી દઈએ કે કન્ટેનબર દ્વારા લોકોને અડફેટે લેવાની જાણકારી મળતા જ મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળ પર એક્ઠા થઈ ગયા, ઘટનાની જાણકારી મળતા જ બીડ ગ્રામીણ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી અને કન્ટેનરને જપ્ત કર્યુ અને તેના ચાલકને હાલમાં કસ્ટડીમાં લઈ લીધો છે. પોલીસે કન્ટેનર ચાલકની પુછપરછ કરી છે અને દુર્ઘટના અંગેનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ હાલમાં મૃતકો અને ઘાયલોની ઓળખ કરવામાં લાગી છે.
સોલાપુર-ધુલે હાઈવે પર વાહનવ્યવહાર ખોરવાયો
દુર્ઘટના બાદ સોલાપુર-ધુલે નેશનલ હાઈવે પર થોડા સમય માટે વાહનવ્યવહાર ખોરવાયો હતો. વાહનોની લાંબી લાઈનો લાગી, જ્યારે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને ટ્રાફિક હટાવ્યો હતો. ઘટના બાદ ભારે હડકંપ મચી ગયો છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ ગઢી ફ્લાયઓવરની પાસે આ પ્રકારના એક કન્ટેનરની ટક્કરમાં 5-6 લોકોના મોત થઈ ગયા હતા. સતત થઈ રહેલા આ પ્રકારની અકસ્માતને લઈને લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.