મહારાષ્ટ્રમાં ભાષાનો વિવાદ વધતો જઇ રહ્યો છે. મરાઠી ભાષાને લઇને મનસે અને યુટીબી દ્વારા સખત વલણ અપનાવવામાં આવી રહ્યું છે. ત્યારે અત્યારે ભાષાને લઇને વધુ એક વિવાદ સામે આવ્યો છે. એક વીડિયો વાયરલ થયો છે જેમાં દુકાનદારને ધડાધડ લાફા ઝીંકી દેવામાં આવી રહ્યા છે. આવો જાણીએ શું છે સમગ્ર મામલો..
વીડિયો વાયરલ
આ ઘટના મંગળવારની છે. ભયંદર વિસ્તારની છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં જબરદસ્ત વાયરલ થયો છે. જેમાં લાફા મારનાર લોકો રાજઠાકરેના નેતૃત્વવાળી મનસે સિમ્બોલ ધરાવતો સ્કાર્ફ પહેરેલા જોવા મળે છે. મળતી માહિતી અનુસાર ફૂડ સ્ટોલ પરથી કોઇ વસ્તુ ખરીદતી વખતે સ્ટોલ માલિકને મરાઠીમાં વાત કરવા કહ્યું. તેની સામે દુકાનદારે તેમને સવાલ કર્યો. આથી તે વ્યક્તિ નારાજ થઇ ગયો અને સ્ટોલ માલિક પર મોટે મોટોથી બૂમો પાડવા લાગ્યો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે તે વ્યક્તિએ હાજર અન્ય લોકોની સાથે સ્ટોલ માલિકને થપ્પડ માર્યા.
વીડિયોમાં સંભળાઇ રહ્યુ છે કે મનસે સભ્ય કહે છે કે આ મહારાષ્ટ્ર છે. અને મહારાષ્ટ્રમાં કઇ ભાષા બોલાય છે. ત્યારે દુકાનદાર જવાબ આપે છે કે બધી જ ભાષા. પછી મનસે સભ્ય દુકાનદારને થપ્પડ મારવા લાગે છે. પછી અન્ય લોકો પણ આવીને થપ્પડ મારવા લાગે છે. આ મામલે પોલીસે કાશીમીરા પોલીસ સ્ટેશનમાં મનસેના સાત કાર્યકરો વિરુદ્ધ અરજી દાખલ કરી છે.
મહારાષ્ટ્રમાં ભાષાનો વિવાદ
ઉલ્લેખનીય છે કે ગત મહિને મનસે નેતા રાજ ઠાકરેએ મહારાષ્ટ્ર સરકારને અપીલ કરતા કહ્યું હતું કે તેઓ લેખિતમાં આદેશ જાહેર કરે તે પહેલા ધોરણથી બાળકોને મરાઠી અને અંગ્રેજી ભણાવાશે. હિંદીને ફરજિયાત નહી કરાવાય. સાથે જ તેમણે હિંદી ફરજિયાત કરવા પર આંદોલન પણ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.