મહારાષ્ટ્રમાં ટીચર એલિજિબિલિટી ટેસ્ટ (TET) પેપર લીક કેસ બાદ રાજ્ય સરકાર અને પોલીસની કાર્યવાહી સતત ચાલી રહી છે. આ ઘટનાના પગલે રાજ્ય સરકારે પરીક્ષા પ્રક્રિયામાં મોટો બદલાવ કરવાનો નિર્ણય લીધો છે. સરકારના નિર્ણય મુજબ 2027થી મહારાષ્ટ્ર TET પરીક્ષા ઓનલાઈન એટલે કે કમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ (CBT) મોડમાં લેવામાં આવશે.


એક ખાસ આયોજન સમિતિ પણ રચવામાં આવશે

આ નિર્ણય પેપર લીક જેવી ઘટનાઓને રોકવા અને પરીક્ષાની પારદર્શિતા જાળવવા માટે લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા આ માટે એક ખાસ આયોજન સમિતિ પણ રચવામાં આવશે, જે ઓનલાઈન પરીક્ષા પ્રક્રિયા, ટેક્નિકલ સિસ્ટમ અને સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરશે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં 28 જૂન 2026ના રોજ યોજાનારી TET પરીક્ષા પહેલા જ પેપર લીક થયાનું સામે આવ્યું હતું. રાજ્યભરમાં 1,028 પરીક્ષા કેન્દ્રો પર 4 લાખથી વધુ ઉમેદવારો પરીક્ષા આપવાના હતા. 

28 જૂનની પરીક્ષા રદ કરવામાં આવી

પરંતુ પરીક્ષાના લગભગ 24 કલાક પહેલાં જ પ્રશ્નપત્ર લીક થવાની માહિતી સામે આવતા ભિવંડી પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કેટલાક લોકો પાસેથી TETના પ્રશ્નપત્ર સાથે મળતા પ્રશ્નો પણ મળી આવ્યા હતા. આ ઘટના બાદ મહારાષ્ટ્ર રાજ્ય પરીક્ષા પરિષદ (MSCE), પુણે દ્વારા 28 જૂનની પરીક્ષા રદ કરવામાં આવી હતી. પરિષદે જણાવ્યું હતું કે પરીક્ષા સંપૂર્ણ પારદર્શક અને નિષ્પક્ષ રીતે યોજવી તેમની પ્રથમ પ્રાથમિકતા છે, તેથી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી પરીક્ષા સ્થગિત રાખવામાં આવશે.

અગાઉ પણ આવી ઘટના સામે આવી હતી

આ પ્રથમ વખત નથી કે મહારાષ્ટ્રમાં TET પેપર લીક થયું હોય. 2025માં પણ કોલ્હાપુરમાંથી આવી ઘટના સામે આવી હતી. વારંવારની આવી ઘટનાઓને કારણે રાજ્ય સરકાર પર પરીક્ષાની વિશ્વસનીયતા જાળવવાનો દબાણ વધી રહ્યો છે. નવા નિર્ણય મુજબ ઓનલાઈન પરીક્ષા પદ્ધતિથી ગેરરીતિઓ પર અંકુશ આવશે, જોકે કમ્પ્યુટર જ્ઞાન ન ધરાવતા ઉમેદવારો માટે આ પદ્ધતિ પડકારરૂપ બની શકે છે.

આ પણ વાંચો : Ram Mandir Donation Row: આઠેય આરોપીઓ 14 દિવસ જેલમાં, 13 જુલાઇએ વધુ સુનાવણી


  • Follow us on: