મુંબઈમાં જોગેશ્વરી વિસ્તારમાં એક બહુમાળી ઇમારતમાં ભીષણ આગ લાગવાની ઘટના બની. બહુમાળી ઇમારતમાં છેક ઉપરના માળે આગ લાગવાના સમાચાર સામે આવતા જ ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી ગઈ. જોગેશ્વરીના બહુમાળી ઇમારતમાં આગ લાગવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જેમાં દેખાય છે કે ઇમારતમાં ઉપરના ફલોર પર આગ લાગતા કાળા ધુમાડાના ગોટેગોટા દેખાય છે. આ ઘટનામાં હજુ સુધી આગ લાગવાનું કારણ જાણી શકાયુ નથી. પોલીસ અને ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવા તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી છે.
બિઝનેસ સેન્ટરમાં ભીષણ આગ
જોગેશ્વરી વિસ્તારમાં GMS બિઝનેસ સેન્ટરમાં આગ લાગ્યાના સમાચારથી આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે. GMS સેન્ટરના બહુમાળી ઇમારતમાં ભીષણ આગ લાગતા મોટાપાયે નુકસાન થવાની સંભાવના છે. આ બિઝનેસ સેન્ટરમાં શહેરના અનેક પ્રતિષ્ઠિત લોકોની ઓફિસ છે. આ ઘટનાની જાણ સૌપ્રથમ સવારે 10:51 વાગ્યે થઈ હતી. આ સાથે જ બીએમસીની ફાયર બ્રિગેડની ટીમની સાથે ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાઓ જાહેર બાંધકામ વિભાગ (PWD), BMC વોર્ડ સ્ટાફ અને સંબંધિત વીજળી વિતરણ કંપનીના કર્મચારીઓ સાથે MFBને સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા હતા. આગ પર કાબુ મેળવવાના પ્રયાસ થઈ રહ્યા છે.













