21 જૂનના રોજ યોજાનારી NEET-UG 2026ની પુનઃપરીક્ષાને સંપૂર્ણ સુરક્ષિત અને પારદર્શક બનાવવા માટે કેન્દ્ર સરકાર અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ વિશેષ વ્યવસ્થા ગોઠવી છે. પરીક્ષાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને આ વખતે પ્રશ્નપત્રોની સુરક્ષા અને દેશભરના પરીક્ષા કેન્દ્રો સુધી તેમની સલામત પહોંચાડવાની જવાબદારી ભારતીય વાયુસેના (IAF)ને સોંપવામાં આવી છે. ભારતીય વાયુસેનાએ છેલ્લા ચાર દિવસમાં દેશભરના વિવિધ પરીક્ષા કેન્દ્રો સુધી NEET-UGના પ્રશ્નપત્રો પહોંચાડવા માટે 200થી વધુ ઉડાનો ભરી છે.


13 જૂનથી શરૂ થયું વિશાળ ઓપરેશન

પ્રશ્નપત્રોના સુરક્ષિત પરિવહન માટેનું આ ગુપ્ત અને વ્યાપક મિશન 13 જૂનથી શરૂ કરવામાં આવ્યું હતું. વાયુસેનાના ટ્રાન્સપોર્ટ વિમાનો અને હેલિકોપ્ટરો દ્વારા બે મુખ્ય વિતરણ કેન્દ્રોમાંથી પ્રશ્નપત્રો એકત્રિત કરીને દેશભરની 20થી વધુ વ્યૂહાત્મક સ્થળોએ પહોંચાડવામાં આવ્યા છે. સુરક્ષા કારણોસર અધિકારીઓએ ઓપરેશનના ચોક્કસ રૂટ અને અન્ય વિગતો જાહેર કરી નથી. તાજેતરના વર્ષોમાં કોઈ રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાત્મક પરીક્ષા માટે હાથ ધરાયેલું આ સૌથી મોટું સુરક્ષા અભિયાન માનવામાં આવી રહ્યું છે. NTAના અધિકારીઓના જણાવ્યા મુજબ વાયુસેનાની મદદથી પ્રશ્નપત્રોની ઝડપી અને સંપૂર્ણ સુરક્ષિત ડિલિવરી સુનિશ્ચિત કરવામાં આવી છે.

દિલ્હીથી તિરુનેલવેલી સુધી કડક સુરક્ષા

તમિલનાડુના તિરુનેલવેલીનો ઉદાહરણ આપતાં જણાવાયું છે કે પ્રશ્નપત્રો પહેલા વિમાન મારફતે દિલ્હીથી મદુરાઈ પહોંચાડવામાં આવ્યા હતા. ત્યારબાદ મદુરાઈથી ભારતીય સેનાના હેલિકોપ્ટર દ્વારા કડક સુરક્ષા વચ્ચે તિરુનેલવેલીના આર્મ્ડ રિઝર્વ ગ્રાઉન્ડ સુધી લઈ જવામાં આવ્યા હતા. આ સમગ્ર પ્રક્રિયાને સફળ બનાવવા માટે અગાઉ મૉક ડ્રિલ પણ યોજાઈ હતી, જેમાં હેલિકોપ્ટરની સુરક્ષિત લેન્ડિંગનો સફળ અભ્યાસ કરવામાં આવ્યો હતો.

ડિજિટલ સ્તરે પણ કડક દેખરેખ

ભૌતિક સુરક્ષા ઉપરાંત NTAએ ડિજિટલ માધ્યમો પર પણ કડક નિયંત્રણ મૂક્યું છે. પરીક્ષા દરમિયાન અને ત્યારબાદ સોશિયલ મીડિયા પર ફેલાતા ખોટા પેપર લીકના દાવાઓ અને ભ્રામક માહિતી રોકવા માટે ભારતમાં ટેલીગ્રામની ઍક્સેસ 22 જૂન સુધી મર્યાદિત અથવા પ્રતિબંધિત કરવામાં આવી હોવાનું જણાવાયું છે. સોશિયલ મીડિયા પર 21 જૂનની પુનઃપરીક્ષાનું પ્રશ્નપત્ર પણ લીક થઈ ગયું હોવાના કેટલાક દાવાઓ સામે આવ્યા હતા, પરંતુ NTAએ આવા તમામ દાવાઓને નિરાધાર ગણાવ્યા છે. એજન્સીએ સ્પષ્ટ કર્યું છે કે અત્યાર સુધી પુનઃપરીક્ષા સંબંધિત કોઈ ગેરરીતિની પુષ્ટિ થઈ નથી.

આ પણ વાંચો : Karnataka MLC Election: CM DK એ ખેલ્યો દાવ ! BJPના 2 ધારાસભ્યોએ મુખ્યમંત્રી સાથે ફોટા પડાવ્યા



  • Follow us on: