NEET-UG 2026 રિ-ટેસ્ટ પહેલાં પરીક્ષા સંબંધિત ખોટી અફવાઓ, ફેક મેસેજ અને લીક થયેલી માહિતીના પ્રસારને રોકવા માટે ભારત સરકારે ટેલિગ્રામ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. આ પ્રતિબંધ 16 જૂનથી 22 જૂન સુધી લાગુ રહેશે. આ પગલું નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ની ભલામણના આધારે લેવામાં આવ્યું છે.
ભારતમાં 15 કરોડથી વધુ સામાન્ય યુઝર્સ પર અસર પડી
સરકારના જણાવ્યા મુજબ 21 જૂને યોજાનારી રિ-ટેસ્ટની પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીઓમાં ભ્રમ અને ગેરસમજ ન ફેલાય તે માટે આ કાર્યવાહી જરૂરી બની હતી. ખાસ કરીને સોશિયલ મીડિયા અને મેસેજિંગ એપ્સ પર પરીક્ષા સંબંધિત ખોટા દાવાઓ ઝડપથી વાયરલ થતા હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ટેલિગ્રામના સંસ્થાપક અને CEO પાવેલ દુરોવે આ નિર્ણય પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ પ્રતિબંધથી ભારતમાં 15 કરોડથી વધુ સામાન્ય યુઝર્સ પર અસર પડી છે. તેમણે દાવો કર્યો કે કેટલીક લીક થયેલી માહિતી અન્ય એપ્સ પર પણ ફેલાઈ ગઈ છે, જેના કારણે માત્ર ટેલિગ્રામ પર પ્રતિબંધ લગાવવો યોગ્ય ઉકેલ નથી.













