ઓડિશામાં વરસાદે તબાહી મચાવી છે. ક્યોઝરમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયુ છે. જેમાં માટીમાં દબાઇ જવાથી 3 શ્રમિકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ ભૂસ્ખલન મંગળવારે સાંજ થયુ હતું.


મહત્વનું છે કે ક્યોઝર જિલ્લામાં બિચાકુંડી ક્ષેત્રમાં કેટલાક દિવસોથી મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. આ કારણે અહીંની આસપાસ ભૂસ્ખલનની સ્થિતિ જોવા મળી હતી.આ ભૂસ્ખ્લનમાં માટીમાં દબાઇ જવાથી જીવ ગુમાવનારા શ્રમિકોની ઓળખ બિચાકુંડી ક્ષેત્રના ગુરુ ચંપિયા, સંદીપ મુર્તી અને કાંદે મુંડા તરીકે થઇ છે. ત્રણેય શ્રમિકો સ્થાનિક છે. તેઓ ઘટના સ્થળ પર મેંગનીઝ ખનનનું કામ કરી રહ્યા હતા.

આ માઇનિંગ બૈતરણી રિઝર્વ ફોરેસ્ટ વિસ્તારમાં થઇ રહી હતી. ભારે વરસાદને કારણે પથ્થરોના નાના નાના ટુકડા અને માટી વહેવા લાગી જેમાં નીચે કામ કરી રહેલા શ્રમિકો દબાઇ ગયા. સૂચના મળતા જ પોલીસની રેસ્ક્યૂની ટીમ પહોંચી અને રેસક્યુ ઓપરેશન શરૂ કર્યુ. બચાવ કામગીરી દરમિયાન 3 શ્રમિકોના મૃતદેહ મળ્યા.  


અકસ્માતની માહિતી મળતા જ જોડા પોલીસ સ્ટેશન અને વન વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તપાસ શરૂ કરી હતી. પોલીસે ઘટનાસ્થળને ઘેરી લીધું છે અને અકસ્માતના કારણોની તપાસ શરૂ કરી છે. હાલમાં પોલીસ અને વન વિભાગની ટીમ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે અને મૃતકોના પરિવારજનોને જાણ કરવામાં આવી છે. આ દુ:ખદ અકસ્માતથી સમગ્ર વિસ્તારમાં શોક છવાઈ ગયો છે.

  • Follow us on: