સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યુ છે. લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા થઇ ચૂકી છે. ગઇકાલે પીએમ મોદીએ લોકસભામાં ચર્ચાનો જવાબ આપ્યો. આજે રાજ્યસભામાં આ વિષય પર ચર્ચા થશે. ત્યારે ઓપરેશન સિંદૂર પર વિદેશ મંત્રી એસ જયશંકરે રાજ્યસભામાં સંબોધન કરતા જણાવ્યું કે અમે ચેતાવણી આપી હતી કે પાણી અને લોહી એકસાથે વહી નહી શકે અને અમે તે કરી બતાવ્યું છે.
સિંધુ જળ સમજૂતીને લઇને શું બોલ્યા ?
તેમણે વધુમાં જણાવ્યું કે ભારત ક્રોસ બોર્ડર આતંકવાદનો સામનો કરી રહ્યુ છે. દુનિયામાં એવો કોઇ દેશ નથી જ્યાં આપણી જેમ આતંકી ઘટનાઓ બની રહી હોય. તેમણે સિંધુ જળ સમજૂતીને લઇને કહ્યું કે સિંધુ જળ સંધિ ઘણી રીતે એક અનોખો કરાર છે. મને દુનિયામાં એવો કોઈ કરાર નથી લાગતો જ્યાં કોઈ દેશે તેની મુખ્ય નદીઓને બીજા દેશમાં વહેવા દીધી હોય અને તે નદી પર તેનો કોઈ અધિકાર ન હોય. તેથી આ એક અસાધારણ કરાર હતો અને જ્યારે આપણે તેને મુલતવી રાખ્યો છે, ત્યારે આ ઘટનાના ઇતિહાસને યાદ રાખવું મહત્વપૂર્ણ છે.
ટ્રમ્પના દાવા અંગે શું કહ્યું ?
વિદેશ મંત્રીએ કહ્યું કે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સએ પીએમ મોદીને 9મેના રોજ કોલ કર્યો અને કહ્યું કે પાકિસ્તાન મોટો હુમલો કરવાનો છે. પીએમ મોદીએ તેમની વાત સાંભળી અને કહ્યું કે આવુ થયુ તો પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવશે. અમારી સેનાના હુમલાથી પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ નષ્ટ થઇ ગઇ. પાકિસ્તાને DGMO સ્તરે યુદ્ધવિરામની અપીલ કરી. હું કહેવા માંગુ છું કે કોઈ પણ દેશે યુદ્ધવિરામમાં મધ્યસ્થી કરી નથી અને યુદ્ધવિરામનો વેપાર સાથે કોઈ સંબંધ નથી. જયશંકરે એમ પણ કહ્યું કે 22 એપ્રિલથી 16 જૂન સુધી પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે કોઈ વાતચીત થઈ નથી.
પાકિસ્તાન- આતંકવાદનો નાતો બેનકાબ થયો
તેમણે એમ પણ કહ્યું કે 25 એપ્રિલે UNSCમાં નિવેદન અપાયુ કે પહલગામ આતંકી હુમલાના જવાબદાર લોકોને સજા આપવામાં આવે. તે સમયે પાકિસ્તાન UNSCમાં સભ્ય હતુ અને તે વખતે ભારત સભ્ય ન હતું. તેમ છતાં પણ પહલગામ આતંકી હુમલાને લઇને UNSCએ નિવેદન આપ્યું. આ સાથે જ વિદેશમંત્રીએ ભારતને દુનિયાભરમાંથી સમર્થન મળ્યાનો ઉલ્લેખ કર્યો. તેમણે એમ પણ કહ્યું કે ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાન અને આતંકવાદીઓનો નાતો દુનિયા સામે બેનકાબ થઇ ગયો છે. સોશિયલ મીડિયા પર જોઇ લો પાકિસ્તાની એર બેસના શું હાલ થયા છે.