જો તમે પાસપોર્ટને ભારતીય નાગરિકતાનો અંતિમ પુરાવો માનો છો તો વિદેશ મંત્રાલયનું તાજેતરનું નિવેદન તમારા માટે મહત્વપૂર્ણ છે. મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ સ્પષ્ટ કર્યું છે કે પાસપોર્ટ મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય મુસાફરી માટેનું દસ્તાવેજ છે, નાગરિકતાનો પુરાવો નહીં.


પાસપોર્ટ મેળવવામાં 6 કાર્યકારી દિવસનો સમય લાગે છે

અધિકારીના જણાવ્યા અનુસાર વર્ષ 2025 દરમિયાન 1.5 કરોડથી વધુ પાસપોર્ટ અને સંબંધિત સેવાઓ પૂરી પાડવામાં આવી હતી, જેમાંથી 1.39 કરોડ માત્ર પાસપોર્ટ હતા. પોલીસ વેરિફિકેશન સિવાય સામાન્ય રીતે પાસપોર્ટ મેળવવામાં 6 કાર્યકારી દિવસનો સમય લાગે છે, જ્યારે પાસપોર્ટ સેવા કેન્દ્ર (PSK) અને પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર (POPSK) પરની પ્રક્રિયા 45 મિનિટથી પણ ઓછી સમયમાં પૂર્ણ થઈ શકે છે. દેશભરમાં હાલમાં 545 પાસપોર્ટ કેન્દ્રો કાર્યરત છે, જ્યારે 10 વર્ષ પહેલાં તેમની સંખ્યા માત્ર 77 હતી. સરકારે ગયા વર્ષે 10 નવા POPSK શરૂ કર્યા હતા અને આ વર્ષે વધુ 10 કેન્દ્રો શરૂ કરવાની યોજના છે.

ભારતીય નાગરિકતા અંગે શું કહે છે કાયદો?

વિદેશ મંત્રાલયે જણાવ્યું કે 1 જુલાઈ, 1987 પછી ભારતમાં જન્મેલા વ્યક્તિ માટે માત્ર જન્મ પ્રમાણપત્ર, પાસપોર્ટ અથવા આધાર કાર્ડ નાગરિકતાનો પૂરતો પુરાવો નથી. કાયદા મુજબ આવા વ્યક્તિને ભારતીય નાગરિકતા મેળવવા માટે તેના માતા-પિતામાંથી ઓછામાં ઓછા એક ભારતીય નાગરિક હોવા જરૂરી છે.

બોમ્બે હાઈકોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય

વર્ષ 2013માં બોમ્બે હાઈકોર્ટે એક કેસમાં ચાર લોકોને રાહત આપવાનો ઈનકાર કર્યો હતો. અરજદારોએ પાસપોર્ટ, આધાર કાર્ડ અને જન્મ પ્રમાણપત્ર રજૂ કર્યા હોવા છતાં કોર્ટએ જણાવ્યું હતું કે ભારતીય નાગરિકતા સાબિત કરવા માટે માતા-પિતાની નાગરિકતાના પુરાવા જરૂરી છે. કાયદા અનુસાર 26 જાન્યુઆરી, 1950થી 1 જુલાઈ, 1987 પહેલાં ભારતમાં જન્મેલા લોકો જન્મથી ભારતીય નાગરિક ગણાય છે. જોકે 1 જુલાઈ, 1987 પછી જન્મેલા લોકો માટે માતા-પિતામાંથી ઓછામાં ઓછા એક ભારતીય નાગરિક હોવું આવશ્યક છે. આ કારણે પાસપોર્ટ હોવો અને ભારતીય નાગરિક હોવું બંને બાબતો કાયદાકીય રીતે હંમેશા સમાન માનવામાં આવતી નથી.

આ પણ વાંચો : Keral : વિઝિન્ઝમ ઈન્ટરનેશનલ સીપોર્ટની ઐતિહાસિક સિદ્ધિ, 1000મા કોમર્શિયલ જહાજનું કર્યું સ્વાગત


  • Follow us on: