કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે 1300થી વધારે ભેટ ઓનલાઇન બોલી માટે રાખવામાં આવશે. આ હરાજીનું આયોજન નવી દિલ્હી સ્થિતિ નેશનલ ગેલરી ઓફ મોડર્ન આર્ટ દ્વારા કરવામાં આવી છે. કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે તેની ઔપચારિક જાહેરાત કરતા જણાવ્યું કે 1300થી વધારે ભેટ બોલી માટે ઉપલબ્ધ રહેશે . www.pmmementos.gov.in આ સાઇટ પરથી જઇને બોલી લગાવી શકો છો.


સૌ પ્રથમવાર ભેટની હરાજી 2019માં થઇ

કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે પ્રધાનમંત્રીના સ્મૃતિચિહ્ન ઈ-ઓક્શનના સાતમા સંસ્કરણ વિશે જણાવ્યું કે હરાજી કરવામાં આવી રહેલી વસ્તુઓમાં ચિત્રો, કલાકૃતિઓ, શિલ્પો, દેવી-દેવતાઓની મૂર્તિઓ તેમજ કેટલાક રમતગમતના સાધનોનો સમાવેશ થાય છે. મંત્રીએ સમજાવ્યું કે ભેટોની પહેલી હરાજી જાન્યુઆરી 2019 માં યોજાઈ હતી. ત્યારથી, પીએમ મોદીને મળેલી હજારો ભેટોની હરાજી કરવામાં આવી છે. તેમણે એ પણ નોંધ્યું કે પીએમ મોદી દેશના પહેલા પ્રધાનમંત્રી છે જેમણે પોતાના બધા સ્મૃતિચિહ્નો આ ઉમદા કાર્ય માટે સમર્પિત કર્યા છે.


ઘણી અનોખી ભેટો શામેલ છે

આ વર્ષે હરાજીમાં ઘણી અનોખી ભેટો શામેલ કરવામાં આવી હતી. સૌથી મોંઘી ભેટ એક પ્રતિમા છે, જેની કિંમત ₹10,39,500 છે. સૌથી સસ્તી ભેટ એક કાપડ છે જેની કિંમત ₹600 છે.

સૌથી વધુ કિંમતી ભેટો

  • ભવાની માતાની પ્રતિમા - 10,39,500
  • પેરાલિમ્પિક મેડલ વિજેતા અજિત સિંહના જૂતા - 7,70,000
  • પેરાલિમ્પિક મેડલ વિજેતા સિમરન શર્માના જૂતા - 7,70,000
  • પેરાલિમ્પિક મેડલ વિજેતા નિષાદ કુમારના જૂતા - 7,70,000
  • રામ મંદિરનું મોડેલ - 5,50,000
સૌથી ઓછી કિંમતની ભેટો
  • સોનાના અરીસા સાથે લાલ ચુંદડી - 600
  • કમળના પ્રતીક સાથે કેસરી અંગવસ્ત્ર - 800
  • નારંગી રંગનું ભરતકામ કરેલું અંગવસ્ત્ર - 900


અત્યાર સુધી 50 કરોડથી વધુ રૂપિયા એકઠા થયા

હરાજીમાં મળેલા રૂપિયાનું શું કરાય છે? 

દર વર્ષે યોજાતી આ હરાજીનો હેતુ વડા પ્રધાનને મળેલી ભેટોનું સામાન્ય જનતામાં વિતરણ કરવાનો અને તેમાંથી મળેલી રકમનો ઉપયોગ ગંગા સફાઈ અને લોક કલ્યાણ યોજનાઓ માટે કરવાનો છે. અત્યાર સુધીમાં 50 કરોડથી વધુ રૂપિયા એકઠા થઈ ગયા છે. આ બધી ભેટો નવી દિલ્હી સ્થિત નેશનલ ગેલેરી ઓફ મોર્ડન આર્ટ (NGMA) ખાતે પ્રદર્શિત કરવામાં આવી છે, જ્યાં લોકો તેને જોઈ શકે છે અને પછી ઓનલાઈન બોલીમાં ભાગ લઈ શકે છે.


  • Follow us on: