વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે બેંગલુરુમાં જાહેર સભાને સંબોધિત કરતાં જણાવ્યું કે ઓપરેશન સિંદૂરની સફળતા પાછળ ભારતની ટેક્નોલોજી અને 'મેક ઇન ઇન્ડિયા'ની તાકાત છે. તેમણે કહ્યું કે, દુનિયાએ પ્રથમવાર ભારતનું નવું રૂપ જોયું જ્યારે આપણી સેનાએ પાકિસ્તાનની અંદર ઘુસીને આતંકી ઠેકાણા નષ્ટ કરીને તેની ક્ષમતા દર્શાવી.તેમણે ઉમેર્યું કે ઓપરેશન સિંદૂરમાં બેંગલુરુ અને કર્નાટકના યુવાનોનો પણ મહત્વનો ફાળો રહ્યો છે, જેના માટે તેમણે જનતાનો આભાર વ્યક્ત કર્યો.
ટ્રમ્પ પર પીએમ મોદીની ટીકા
પીએમ મોદીએ કહ્યું કે ભારત આજે દુનિયાની સૌથી ઝડપી વિકાસ કરતી અર્થવ્યવસ્થા છે. “છેલ્લા 11 વર્ષમાં આપણું અર્થતંત્ર 10મા સ્થાનેથી ટોચના પાંચમાં પહોંચ્યું છે. ખૂબ જ ઝડપથી ભારત ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવા તરફ વધી રહ્યું છે.” તેમણે આ વાત ત્યારે કહી જ્યારે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની અર્થવ્યવસ્થાને 'ડેડ' (મૃત) ગણાવી હતી.
બેંગલુરુ મેટ્રો: ત્રીજા તબક્કાની શરૂઆત
પીએમ મોદીએ બેંગલુરુ મેટ્રો રેલ પ્રોજેક્ટના ત્રીજા તબક્કાનું શિલાન્યાસ કર્યું, જેને “ઓરેન્જ લાઇન” તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રોજેક્ટની લંબાઈ 44 કિ.મી. છે અને તેમાં 31 ઊંચી (elevated) મેટ્રો સ્ટેશન્સ હશે. આ પરિયોજના પર 15,610 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. જે બેંગલુરુના આઈટી હબને જોડતી લાઇન છે અને ભવિષ્યમાં ટ્રાફિક જામી રાહત આપશે એવી અપેક્ષા છે.
મેટ્રો મુસાફરી અને યુવાઓ સાથે સંવાદ
વડાપ્રધાને આરવી રોડથી ઇલેક્ટ્રોનિક સિટી મેટ્રો સ્ટેશન સુધી મેટ્રોમાં મુસાફરી પણ કરી અને પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી. તેમનો કાફલો જ્યારે ઇલેક્ટ્રોનિક સિટીથી કાર્યક્રમ સ્થળ તરફ જઈ રહ્યો હતો, ત્યારે રસ્તાના બંને બાજુએ મોટી સંખ્યામાં લોકો અને ભાજપના કાર્યકરો ઉમટી પડ્યા હતા.