તેજ પ્રતાપ યાદવે રાજનીતિમાં પોતાની અલગ ઓળખ ઉભી કરવા માટે તમામ પ્રયાસ હાથ ધર્યા છે. જ્યારથી તેઓની આરજેડીમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે. ત્યારથી તેઓ ચૂંટણીમાં જીત હાંસલ કરવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. તેજ પ્રતાપ હમેંશા જયચંદનું નામ લેતા રહ્યા છે. ત્યારે આખરે જનતાને માલૂમ પડ્યુ છે કે કોણ છે આ જયચંદ?
અમારી રાજનીતિ ખત્મ કરવા પ્રયાસઃ તેજ પ્રતાપ
તેજ પ્રતાપ યાદવે કહ્યુ છે કે, આકાશ યાદવ અને કેટલાક જયચંદ તરફથી અમારી ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી છે. અને અમારી રાજનીતિ ખત્મ કરવા માટે ષડયંત્ર કરવામાં આવ્યા છે. પરંતુ જયચંદને હજુ માલૂમ નથી કે અમારુ નામ તેજ પ્રતાપ યાદવ છે. અમને કોઇ ભય નથી. અમે જનતા સાથે આગળ વધીશું. આરજેડીમાંથી અલગ થયા બાદ તેજ પ્રતાપ યાદવ પોતાની અંગત જિંદગી અને રાજનીતિને કારણે ચર્ચાનો વિષય બન્યા છે. હાલમાં તેઓએ જયચંદ કોણ છે તે અંગે કહ્યુ હતુ. આ જયચંદ બીજુ કોઇ નહી પરંતુ અનુષ્કા યાદવના ભાઇ આકાશ યાદવ છે. અનુષ્કા યાદવ એ જ મહિલા છે જેની સાથે તેજ પ્રતાપના પ્રેમ સંબંધો છે. તેમના ફોટો અને સંબંધ વિશે જાણ થયા બાદ લાલૂ પ્રસાદ યાદવે પોતાના પુત્ર તેજ પ્રતાપ યાદવને પક્ષ, પરિવાર અને સંપત્તિમાંથી બાકાત કર્યા છે.
તેજસ્વી આસપાસના જયચંદથી રહે સાવધાનઃ તેજ પ્રતાપ
અગાઉ તેજ પ્રતાપે કહ્યુ હતુ કે, જયચંદ અમારા માટે નવી મુશ્કેલીઓ ઉભી કરી રહ્યો છે. પાર્ટીની અંદર અમુક જયચંદ અમારી પર પ્રહાર કરવા માટે બેચેન છે. પણ અમે ડરીશું નહીં. આકાશ યાદવ જયચંદ બનીને અમારા વિરુદ્ધ ષડયંત્ર કરી રહ્યો છે. અને અમારા સ્વપ્ન તોડવા માંગે છે. પરંતુ તેને ખબર નથી કે અમે મજબૂતીથી આગળ વધીશું. તેજ પ્રતાપે પોતાની નવી પાર્ટીની સ્થાપના કરી છે. અને તેનું નામ આપ્યુ છે 'જનશક્તિ જનતા દળ'. તેજ પ્રતાપ યાદવે રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવની 'વોટર અધિકાર યાત્રા' પર પણ પ્રહાર કર્યા હતા. તેઓએ કહ્યુ હતુ કે, રાહુલ અને તેજસ્વી બંધારણ બચાવવા નિકળ્યા છે કે પછી તેને તાર-તાર કરવા યાત્રા કરી રહ્યા છે. તેજસ્વી યાદવે ટકોર કરતા તેજ પ્રતાપે કહ્યુ કે, તેઓ પોતાની આસપાસના જયચંદથી સાવધાન રહે. નહીંતર ખરાબ પરિણામ આવતા કોઇ રોકી શકશે નહી.