વડાપ્રધાન કાર્યાલયનું સરનામું હવે બદલાવા જઇ રહ્યું છે. છેલ્લા 78 વર્ષથી વડાપ્રધાન કાર્યાલય નવી દિલ્હીમાં સાઉથ બ્લોકમાં હતું પણ આવતા મહિને પીએમઓ નું સરનામું બદલાઇ જશે. એવું પણ મનાઇ રહ્યું છે કે પીએમઓનું નામ પણ બદલાઇ શકે છે અને તેને સેવાની ભાવના સાથે જોડવામાં આવી શકે છે. અગાઉ પીએમ મોદીએ પોતાના ત્રીજા કાર્યકાળની શરુઆતમાં કહ્યું હતું કે પીએમઓ જનતાનું હોવું જોઇએ. પીએમઓ મોદીનું નથી
આગામી મહિનાથી તે એગ્ઝિક્યુટિવ એનક્લેવમાં સ્થાનાંતરિત
વડાપ્રધાન કાર્યાલય (PMO) હાલમાં સાઉથ બ્લોકમાં સ્થિત છે. આગામી મહિનાથી તે એગ્ઝિક્યુટિવ એનક્લેવમાં સ્થાનાંતરિત થશે. સરકારી સૂત્રોના અનુસાર, સેન્ટ્રલ વિસ્તા પ્રોજેક્ટ હેઠળ તૈયાર કરાયેલા આ નવા એનક્લેવમાં વડાપ્રધાન કાર્યાલય ઉપરાંત કેબિનેટ સચિવાલય, રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય અને આધુનિક કોન્ફરન્સિંગ સુવિધા પણ હશે. આ નવું PMO પ્રધાનમંત્રીના નિવાસથી વધુ નજીક રહેશે.
વહીવટી તંત્ર હજુ પણ બ્રિટિશ યુગની ઇમારતોમાંથી કાર્ય કરી રહ્યું હતું
નવાં ભવનો બનાવવાની જરૂરિયાત મુખ્યત્વે જગ્યા ની અછત અને જૂના કચેરીઓમાં આધુનિક સુવિધાઓના અભાવને કારણે અનુભવાઈ હતી. વડાપ્રધાને તાજેતરમાં ગૃહ મંત્રાલય અને કર્મચારી મંત્રાલયના નવા કચેરી 'કર્તવ્ય ભવન-3'નું ઉદ્ઘાટન કરતા જણાવ્યું હતું કે વહીવટી તંત્ર હજુ પણ બ્રિટિશ યુગની ઇમારતોમાંથી કાર્ય કરી રહ્યું હતું, જ્યાં પૂરતી જગ્યા, પ્રકાશ અને હવાના આવાગમનની સુવિધાઓ ન હતી.
PMO જનતાનું હોવું જોઈએ, આ મોદીનું PMO નથી
સૂત્રો અનુસાર, નવા PMOને નવું નામ પણ આપવામાં આવી શકે છે, જે ‘સેવા’ની ભાવનાને દર્શાવશે. વડાપ્રધાને તેમના ત્રીજા કાર્યકાળના પ્રથમ સંબોધનમાં કહ્યું હતું: “PMO જનતાનું હોવું જોઈએ, આ મોદીનું PMO નથી.”
નોર્થ બ્લોક અને સાઉથ બ્લોક સંગ્રહાલયમાં બદલી દેવાશે
અન્ય બાજુ, નોર્થ બ્લોક અને સાઉથ બ્લોક, જે લગભગ આઠ દાયકાઓથી કેન્દ્ર સરકારના ‘નર્વ સેન્ટર’ રહ્યા છે, હવે સંગ્રહાલયમાં બદલી દેવાશે. તેમને ‘યુગે યુગીન ભારત સંગ્રહાલય’નું રૂપ આપવામાં આવશે. આ યોજનાની અંદર નેશનલ મ્યુઝિયમ અને ફ્રાંસ મ્યુઝિયમ ડેવલપમેન્ટ વચ્ચે સમજૂતી થઇ છે. સરકારના જણાવ્યા અનુસાર આ સંગ્રહાલય ભારતની સાંસ્કૃતિક વારસાને પ્રદર્શન કરશે અને આપણા વૈભવી ભૂતકાળ, વર્તમાન અને ઉજ્જવળ ભવિષ્યની ઝલક રજૂ કરશે.