સુપ્રીમ કોર્ટે રસ્તા પર રખડતાં શ્વાનના કરડવાથી થઇ રહેલા મોતના મામલાને ગંભીરતાથી લીધો છે અને સરકારને કડક આદેશ કર્યો છે કે રખડતાં શ્વાનને શેલ્ટર હોમમાં રાખવામાં આવે અને જો કોઇ સંગઠન આમા વિઘ્ન ઉભુ કરે તો તેની સામે કડક કાર્યવાહી કરાશે.
રખડતા શ્વાનોને શેલ્ટર હોમમાં ખસેડો
દિલ્હી સહિત દેશભરમાં રસ્તાઓ પર ભટકતાં શ્વાનોથી લોકોના જીવને જોખમ પહોંચી રહ્યું છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોમાં ભયનો માહોલ જોવા મળે છે. આવામાં સુપ્રીમ કોર્ટે 11 ઑગસ્ટ, 2025ના રોજ મહત્વપૂર્ણ નિર્ણય લેતાં કહ્યું છે કે રખડતા શ્વાનોને શેલ્ટર હોમમાં ખસેડો. સુપ્રીમે કહ્યું કે આગામી 6 સપ્તાહમાં 5 હજાર શ્વાનને શેલ્ટર હોમમાં મુકી દેવાના રહેશે અને આ કાર્યવાહીની શરુઆત કરવી પડશે.
આ કાર્યમાં વિઘ્ન ઊભું કરશે તો તેમની સામે કડક કાર્યવાહી
ન્યાયમૂર્તિ જે.બી. પારડીવાલા અને આર. મહાદેવનની ખંડપીઠે સ્પષ્ટ કહ્યું કે રખડતાં શ્વાનોને તાત્કાલિક ઊંચકી લેવાં જોઈએ અને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા જો આ કાર્યમાં વિઘ્ન ઊભું કરશે તો તેમની સામે કડક કાર્યવાહી થશે.
5,000 શ્વાનો માટે શેલ્ટર હોમ્સ બનાવવામાં આવે
સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકાર અને સ્થાનિક નગર નિગમોને આદેશ આપતાં કહ્યું કે, આશરે 5,000 શ્વાનો માટે શેલ્ટર હોમ્સ બનાવવામાં આવે અને તેમને રોગપ્રતિકારક રસી આપવી અનિવાર્ય છે.
એનિમલ રાઇટ્સ એક્ટિવિસ્ટ્સ દ્વારા સ્ટે ઓર્ડર લઈ લેવાયો
કોર્ટમાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું કે દિલ્હીમાં એક સ્થળ પસંદ કરવામાં આવ્યું હતું, પણ એનિમલ રાઇટ્સ એક્ટિવિસ્ટ્સ દ્વારા સ્ટે ઓર્ડર લઈ લેવાયો, જેના કારણે કામ અટકી ગયું. આ પરિસ્થિતિને ગંભીર માનીને કોર્ટે પુછ્યું: "શું એ એનિમલ રાઇટ્સ એક્ટિવિસ્ટ્સ એ લોકોને પાછા લાવી શકે છે જેમને રેબીઝથી જીવ ગુમાવવો પડ્યો છે?"
નાના બાળકોને સુરક્ષિત રાખવા તાકીદ
આદેશમાં સ્પષ્ટ જણાવાયું કે શ્વાનોને કોલોની, રસ્તા કે જાહેર સ્થળોએ છોડવા નહીં દેવા. ખાસ કરીને નાના બાળકોને સુરક્ષિત રાખવા તાકીદ કરાઈ છે.
શું આ તથાકથિત ડોગ લવર્સ એ બાળકોને પાછા લાવી શકે છે ?
સુપ્રીમ કોર્ટે ડોગ લવર્સને વેધક સવાલ કર્યો હતો કે શું આ તથાકથિત ડોગ લવર્સ એ બાળકોને પાછા લાવી શકે છે જેમનું મોત આ શ્વાનના કરડવાથી થઇ છે. કોર્ટે સરકારી તંત્રને એક અઠવાડિયામાં હેલ્પલાઇન શરૂ કરવાનું પણ કહ્યું છે.













