સુપ્રીમ કોર્ટે મંગળવારે એક મહત્વપૂર્ણ સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર, તમામ રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને નોટિસ ઈશ્યુ કરીને જવાબ માગ્યો છે. આ કેસમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે UIDAI દ્વારા ઈશ્યુ કરવામાં આવતું આધાર કાર્ડ તેના મૂળ હેતુથી આગળ જઈને નાગરિકતા અને સરનામાના પુરાવા તરીકે ગેરરીતે ઉપયોગમાં લેવાઈ રહ્યું છે.
આધારનો ઉપયોગ માત્ર ઓળખ પુરાવા તરીકે જ મર્યાદિત હોવો જોઈએ
વકીલ અશ્વિની કુમાર ઉપાધ્યાય દ્વારા દાખલ કરવામાં આવેલી આ જનહિત અરજી પર મુખ્ય ન્યાયાધીશ સુર્ય કાંત અને જસ્ટિસ વી. મોહનાની બેન્ચે સુનાવણી હાથ ધરી. અરજદારે દલીલ કરી છે કે આધારનો ઉપયોગ માત્ર ઓળખ પુરાવા તરીકે જ મર્યાદિત હોવો જોઈએ, પરંતુ તેનો ઉપયોગ નાગરિકતા, રહેઠાણ, સરનામું અને જન્મતારીખના પુરાવા તરીકે પણ થઈ રહ્યો છે, જે કાયદાના વિરુદ્ધ છે.
શું કહે છે આધાર અધિનિયમની કલમ 9?
અરજીમાં વધુમાં જણાવાયું છે કે મતદાર નોંધણી પ્રક્રિયામાં પણ આધારનો ઉપયોગ વધ્યો છે. ખાસ કરીને ફોર્મ-6 દ્વારા નવા મતદાર નોંધણી દરમિયાન આધારને જન્મતારીખ અને સરનામાના પુરાવા તરીકે સ્વીકારવામાં આવી રહ્યો છે, જે જન પ્રતિનિધિત્વ અધિનિયમ 1950 અને આધાર અધિનિયમ 2016ની જોગવાઈઓનું ઉલ્લંઘન હોવાનું દાવો કરવામાં આવ્યો છે. આધાર અધિનિયમની કલમ 9 સ્પષ્ટ કરે છે કે આધાર નાગરિકતા અથવા રહેઠાણનો પુરાવો નથી. UIDAI દ્વારા 22 ઓગસ્ટ 2023ના નોટિફિકેશનમાં પણ આ વાત પુનઃ સ્પષ્ટ કરવામાં આવી હતી કે આધાર માત્ર ઓળખનો પુરાવો છે.
સુપ્રીમ કોર્ટે હવે તમામ પક્ષકારોને જવાબ રજૂ કરવા જણાવ્યું
અરજીમાં આ પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે કેટલાક સ્થળોએ ઘૂસણખોરો અને ગેરકાયદે પ્રવાસીઓ આધારનો દુરુપયોગ કરી રહ્યા છે. તેમજ તેનો ઉપયોગ શાળા પ્રવેશ, મિલકત ખરીદી, જન્મ પ્રમાણપત્ર, રેશન કાર્ડ અને ડ્રાઈવિંગ લાઈસન્સ જેવા દસ્તાવેજો મેળવવા માટે પણ થઈ રહ્યો છે. સુપ્રીમ કોર્ટે હવે તમામ પક્ષકારોને જવાબ રજૂ કરવા જણાવ્યું છે અને સમગ્ર મુદ્દે વિસ્તૃત વિચારણા આગળ ચાલુ રહેશે.
આ પણ વાંચો : West Bengal : પરિણામના 42 દિવસ બાદ મમતા બેનરજીએ ભવાનીપુરના પરાજયને કોર્ટમાં પડકાર્યો