પશ્ચિમ બંગાળના રાજકારણમાં ફરી એકવાર ભવાનીપુર વિધાનસભા બેઠક ચર્ચાના કેન્દ્રમાં આવી છે. પશ્ચિમ બંગાળની પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભવાનીપુર વિધાનસભા ચૂંટણીના પરિણામને કોલકાતા હાઈકોર્ટમાં પડકાર્યો છે. મંગળવારે બપોરે મમતા બેનર્જી અચાનક કોલકાતા હાઈકોર્ટ પહોંચી. તેમની સાથે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓ'બ્રાયન, ડોલા સેના અને કલ્યાણ બેનર્જી પણ હાજર રહ્યા હતા.
આ બેઠક પરથી શુભેન્દુ અધિકારીએ જીત મેળવી હતી
અહેવાલો મુજબ મમતા બેનર્જી ચૂંટણી પરિણામ સામે દાખલ કરવામાં આવેલી અરજીના દસ્તાવેજો પર હસ્તાક્ષર કરવા માટે કોર્ટ પહોંચી હતી. ભવાનીપુર બેઠક પર મમતા બેનર્જી અને શુભેન્દુ અધિકારી વચ્ચે સીધી ટક્કર જોવા મળી હતી. આ ચૂંટણીમાં શુભેન્દુ અધિકારીએ જીત મેળવી હતી, જ્યારે મમતા બેનર્જીને પરાજયનો સામનો કરવો પડ્યો હતો.
મમતા બેનર્જીને માત્ર 58,812 મત મળ્યા
ચૂંટણીના અંતિમ પરિણામ મુજબ શુભેન્દુ અધિકારીને 73,917 મત મળ્યા હતા, જ્યારે મમતા બેનર્જીને 58,812 મત મળ્યા હતા. આ રીતે શુભેન્દુ અધિકારીએ 15,104 મતના અંતરથી જીત નોંધાવી હતી. ત્રીજા સ્થાને રહેલા સીપીઆઈ(એમ)ના ઉમેદવાર શ્રીજીબ વિશ્વાસને 3,556 મત મળ્યા હતા. મતગણતરી દરમિયાન શરૂઆતના 16થી 17 રાઉન્ડ સુધી મમતા બેનર્જી આગળ ચાલી રહી હતી. જોકે, ત્યારબાદ બંને ઉમેદવારો વચ્ચેનો મતફેર ધીમે ધીમે ઘટતો ગયો. મતગણતરીના અંતિમ તબક્કામાં શુભેન્દુ અધિકારીએ નોંધપાત્ર લીડ મેળવી અને આખરે વિજય હાંસલ કર્યો.
ભવાનીપુર બેઠકની મતગણતરી દરમિયાન રાજકીય તણાવ અને હંગામાની ઘટનાઓ પણ સામે આવી હતી. હવે મમતા બેનર્જી દ્વારા ચૂંટણી પરિણામને કોર્ટમાં પડકારવામાં આવતા આ મામલો ફરી રાજકીય અને કાનૂની ચર્ચાનો વિષય બન્યો છે. હાઈકોર્ટમાં આ કેસની આગામી સુનાવણી પર સૌની નજર રહેશે.
આ પણ વાંચો : Bomb Hoax:ટ્રેનમાં કન્ફર્મ સીટ ન મળી તો યુવકે ઉડાવી બોમ્બની અફવા, રેલવે સ્ટેશન પર મચી અફરાતફરી