ઉત્તરાખંડના કેદારનાથ મંદિરના કપાટ આજે શિયાળાને લઇને બંધ કરી દેવામાં આવ્યા છે. આ પ્રસંગે કેદારનાથ ધામમાં ભારે સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી પડી હતી. આજે ભાઈબીજના દિવસે સવારે લગભગ 8:30 વાગ્યે આગામી છ મહિના માટે કેદારનાથ ધામના કપાટ બંધ કરવામાં આવ્યા. હજારો ભક્તોએ બાબા કેદારના દર્શન કર્યા. આ દરમિયાન આખી કેદારઘાટી “હર હર મહાદેવ” અને “જય બાબા કેદાર”ના નાદથી ગુંજી ઉઠી. આ પ્રસંગે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પણ ઉપસ્થિત રહ્યા. બીજી તરફ યમુનોત્રી ધામના કપાટ આજે બપોરે 12:30 વાગ્યે શિયાળામાં માટે બંધ કરવામાં આવશે.
6 મહિના ઊખીમઠમાં થશે દર્શન
હવે આગામી છ મહિના સુધી બાબા કેદારની પૂજા શિયાળાની ગાદી સ્થાન ઊખીમઠના ઓમકારેશ્વર મંદિરમાં કરવામાં આવશે. કપાટ બંધ થયા પછી ભગવાન શિવની ચાલ ડોલી શિયાળાના ગાદી સ્થાન ઊખીમઠ માટે રવાના થશે. યાત્રાના પ્રથમ દિવસે, એટલે કે આજે, ડોલી રામપુરમાં રાત્રિ રોકાણ કરશે. ત્યારબાદ 24 ઓક્ટોબરે ગુપ્તકાશી પહોંચશે. ત્રીજા દિવસે 25 ઑક્ટોબરે ડોલી ઊખીમઠના ઓમકારેશ્વર મંદિરે પહોંચશે. અહીં બાબા કેદારની પૂજા-અર્ચના અને દર્શન વ્યવસ્થા આખા છ મહિના સુધી ચાલુ રહેશે.













