ભારતીય રેલવે વિભાગ રામ ભક્તો માટે એક ખાસ ટ્રેન 'શ્રી રામાયણ યાત્રા' ની શરૂઆત કરવા જઈ રહી છે. આ ટ્રેનનો રૂટ ભગવાન રામ સાથે સંબંધિત તમામ ધાર્મિક સ્થળો સાથે સંકળાયેલ હશે.
'શ્રી રામાયણ યાત્રા'ની શરૂઆત થશે
ભારતના અયોધ્યા ખાતે તૈયાર થઈ રહેલા વિશ્વના સૌથી મોટા રામ મંદિરની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને રેલવે વિભાગે એક ખુબજ મોટો નિર્ણય લીધો છે. મળતી માહિતી મુજબ ભારતીય રેલ્વે કેટરિંગ અને પર્યટન નિગમ એટલે કે IRCTC આગામી 25 જુલાઈ 2025થી રામભક્તો માટે એક ખાસ ટ્રેનની શરૂઆત કરશે. ભારતીય રેલવે વિભાગ 'શ્રી રામાયણ યાત્રા' નામની તેની પાંચમી અને ખાસ ટ્રેન યાત્રા શરૂ કરશે.
શું છે આ ખાસ ટ્રેનનો રૂટ?
ભારતીય રેલવે વિભાગ તરફથી શરૂ કરવા આવેલા આ 'શ્રી રામાયણ યાત્રા' ટ્રેન ભગવાન રામ સાથે સંબંધિત 30 થી વધુ સ્થળો પર રામ ભક્તોને યાત્રા કરાવશે. 'શ્રી રામાયણ યાત્રા' ટ્રેનની શરૂઆત અયોધ્યાથી શરૂ થશે અને ત્યાર બાદ નંદીગ્રામ, સીતામઢી, જનકપુર, બક્સર, વારાણસી, પ્રયાગરાજ, ચિત્રકૂટ, નાસિક, હમ્પી અને અંતે દક્ષિણ ભારતના રામેશ્વરમ ટાપુ સુધી પહોંચશે. ભારતીય રેલવે વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન બાદ ભારતમાં ધાર્મિક પ્રવાસનો અને યાત્રાઓને ખૂબ વેગ મળ્યો છે. ભારત ભરમાંથી શ્રદ્ધાળુઓ આ સ્થળોની મુલાકાત લઈ રહ્યા છે.
કેટલું છે ભાડું આ ખાસ રૂટનું ?
IRCTCના અધિકારીઓએ આપેલી માહિતી મુજબ આયોધ્યા ખાતે ભગવાન રામના મંદિરના ઉદ્ઘાટન પછી રામ ભક્તો માટે આ તેમની પાંચમી 'રામાયણ યાત્રા' છે. IRCTCના અધિકારીઓએ આપેલી માહિતી મુજબ ભારતીય રેલવે વિભાગને અગાઉની યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓ તરફથી ખુબજ સારો પ્રતિસાદ મળ્યો હતો. આ યાત્રા માટેનું ભાડું થર્ડ ક્લાસ એર-કન્ડિશન્ડ કોચ (થર્ડ એસી) માટે પ્રતિ વ્યક્તિ રૂ. 1 ,17 ,975, સેકન્ડ ક્લાસ એર-કન્ડિશન્ડ કોચ (સેકન્ડ એસી) માટે રૂ. 1,40,120, ફર્સ્ટ ક્લાસ એર-કન્ડિશન્ડ કોચ (ફર્સ્ટ એસી) કેબિન માટે રૂ. 1,66,380 અને 'ફર્સ્ટ એસી' કૂપ માટે રૂ. 1,79,515 નક્કી કરવામાં આવ્યું છે.
ભક્તોને મળશે શુદ્ધ ભોજન
IRCTCના અધિકારીઓએ આપેલી માહિતી મુજબ રામ ભક્તો માટે શરૂ કરવામાં આવેલી આ ખાસ ટ્રેનમાં ભક્તોની ધાર્મિક ભાવનાઓનું ખુબજ ધ્યાન રાખવામાં આવશે. આ યાત્રાના પૅકેજમાં આરોગ્ય સેવાઓની વ્યવસ્થા સાથે સાથે મુસાફરોને એકદમ શુદ્ધ શાકાહરી ભોજન પીરસવામાં આવશે.













