ઉત્તર પ્રદેશમાં 2027માં યોજાનારી વિધાનસભા ચૂંટણીનો ગરમાવો અત્યારથી જ જોવા મળી રહ્યો છે. ભાજપ વિરોધી મોરચો મજબૂત કરવાના નામે AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ વિપક્ષી ગઠબંધન 'ઇન્ડિયા' (INDIA) માં જોડાવાના સંકેત આપ્યા છે. જોકે ઓવૈસીની આ એન્ટ્રીના પ્રસ્તાવથી ગઠબંધનના બે મોટા સ્તંભ  કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી (SP) વચ્ચેના આંતરિક મતભેદો સપાટી પર આવી ગયા છે.


સમાન દરજ્જાની શરત અને ગઠબંધનમાં વિવાદ

લખનૌમાં એક કાર્યક્રમ દરમિયાન ઓવૈસીએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ ભાજપને સત્તા પરથી હટાવવા માટે ગઠબંધન કરવા તૈયાર છે, પરંતુ શરત એ છે કે તેમની પાર્ટીને મોરચામાં સન્માનજનક સ્થાન અને બરાબરીનો દરજ્જો મળવો જોઈએ. ઓવૈસીની આ શરતે જ 'ઇન્ડિયા' બ્લોકની અંદર વૈચારિક ટકરાવ ઊભો કરી દીધો છે.

ઓવૈસીના ઇન્ડિયા બ્લોકમાં જોડાવા અંગે કોંગ્રેસે શું કહ્યું ? 

આ મુદ્દે કોંગ્રેસના સાંસદ ઈમરાન મસુદે જણાવ્યું કે AIMIM ને ગઠબંધનમાં લેવી કે નહીં તે હાઈકમાન્ડ નક્કી કરશે, પરંતુ વૈચારિક સ્તરે કોઈ બાંધછોડ થશે નહીં. તેમણે ઉમેર્યું તમે એક તરફ કોમવાદનો વિરોધ કરો અને બીજી તરફ તેને પરોક્ષ રીતે ઓક્સિજન આપો, તે બંને વસ્તુઓ સાથે ન ચાલી શકે.

મસુદે દાવો કર્યો કે દેશમાં ખરી લડાઈ સીધી નરેન્દ્ર મોદી વિરુદ્ધ રાહુલ ગાંધીની છે અને ભાજપને હરાવવાની તાકાત માત્ર રાહુલ ગાંધી પાસે જ છે. તેથી જેઓ સાચે જ ભાજપને રોકવા માગે છે તેમણે રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ જ આવવું પડશે.

સપાનું શું કહેવુ છે? 

બીજી તરફ સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ રામગોપાલ યાદવે આ મુદ્દે તદ્દન વિપરીત વલણ અપનાવ્યું છે. ઉત્તર પ્રદેશના સમીકરણોને જોતાં તેમણે સંકેત આપ્યો કે ભાજપને નબળી પાડતી કોઈ પણ રાજકીય શક્તિનું તેઓ સ્વાગત કરશે. સપાનો મુખ્ય હેતુ ભાજપ વિરોધી મતોનું વિભાજન રોકવાનો છે.

તાજેતરના પરાજય બાદ વિપક્ષી મોરચાનું મંથન

કોંગ્રેસ અને સપાના આ નિવેદનો એવા સમયે આવ્યા છે જ્યારે પાછલા એક વર્ષમાં દિલ્હી, બિહાર અને પશ્ચિમ બંગાળ જેવા મહત્વના રાજ્યોમાં ગઠબંધનનું પ્રદર્શન નબળું રહ્યું છે. પશ્ચિમ બંગાળમાં TMC અને દિલ્હીમાં AAP ને મોટો ફટકો પડ્યો છે, જ્યારે બિહારમાં ભાજપ-JDU ગઠબંધન વિજેતા રહ્યું છે. આ નબળા પ્રદર્શન બાદ દિલ્હીમાં યોજાયેલી સમીક્ષા બેઠકમાં રાહુલ ગાંધીએ સહયોગી પક્ષોને એક થઈને લડવાની સલાહ આપી હતી અને ચેતવણી પણ આપી હતી.


પ્રાદેશિક પક્ષોને રાહુલ ગાંધીની કડક ચેતવણી

રાહુલ ગાંધીએ સપા, ટીએમસી અને આરજેડી જેવા પ્રાદેશિક પક્ષોને આગાહ કર્યા કે દેશમાં હવે મુક્ત ચૂંટણી જેવો માહોલ રહ્યો નથી, તેથી રાજકારણની જૂની પ્રણાલી અને પ્રચારની પરંપરાગત શૈલી હવે કામ નહીં આવે. તેમણે કોંગ્રેસની ભૂમિકા સ્પષ્ટ કરતા કહ્યું કે પાર્ટી વિપક્ષની આ લડાઈનું નેતૃત્વ ચાલુ રાખશે અને તમામ પડકારો ઝીલવા તૈયાર છે.

યુપીમાં AIMIM નું રાજકીય કદ

વર્ષ 2022ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ઓવૈસીની વ્યૂહરચના નિષ્ફળ સાબિત થઈ હતી

  • ચૂંટણી લડેલી બેઠકો: 94 (નાના પક્ષો સાથે ગઠબંધન કરીને)
  • જીતેલી બેઠકો: 0 (એક પણ નહીં)
  • કુલ વોટ શેર: માત્ર 0.49 ટકા

આ પણ વાંચો- આ એક જિલ્લો, ગણાય છે Litchi Capital of India, જાણો કયો ? 




  • Follow us on: