ક્યારેક સપના એટલા મોટા હોય છે કે તેને પૂરાં કરવા માટે માણસે પોતાની આરામદાયક દુનિયા છોડી દેવી પડે. મનીષ કુમાર સુનારી એ જ સાહસ કર્યું. તેમણે એક સુરક્ષિત સરકારી નોકરી છોડી અને ઉડ્ડયન ક્ષેત્રમાં પોતાનું સ્વપ્ન સાકાર કરવા માટે જોખમ લીધો. આજે તેમની પાસે 8 હેલિકોપ્ટર અને 2 વિમાન છે, અને તેમની કંપની દેશના ઉડ્ડયન ક્ષેત્રમાં એક મજબૂત ઓળખ બની ચૂકી છે.
બાળપણથી જ ઉડવાનો શોખ
મનીષને બાળપણથી જ આકાશમાં ઉડવાનો શોખ હતો. હેલિકોપ્ટર અને વિમાનો પ્રત્યેનો તેમનો પ્રેમ માત્ર શોખ સુધી સીમિત ન રહ્યો, પરંતુ ધીમે ધીમે તે એક મિશન બની ગયો. વિદ્યાર્થી જીવન દરમિયાન જ તેમણે નક્કી કરી લીધું હતું કે તેઓ માત્ર નોકરી કરીને જીવન નહીં જીવે, પરંતુ કંઈક એવું કરશે જે સમાજ અને દેશ માટે ઉપયોગી સાબિત થાય.
સરકારી નોકરી છોડવાનો નિર્ણય
સરકારી નોકરી છોડવાનો નિર્ણય સહેલો નહોતો. આર્થિક અછત, અનુભવનો અભાવ, ટેકનિકલ મંજૂરીઓ, લાયસન્સ પ્રક્રિયા અને સલામતીના કડક ધોરણો, દરેક પગલે પડકારો હતા. ઘણી વખત નિષ્ફળતા સામે આવી, પરંતુ મનીષે હાર માનવાનું ક્યારેય પસંદ કર્યું નહીં. નિષ્ણાતોની મદદ, સતત શીખવાની ઈચ્છા અને સચોટ આયોજનથી તેમણે પોતાની હેલિકોપ્ટર કંપનીની સ્થાપના કરી.
80 લોકોને રોજગાર
આજે તેમની કંપની વિવિધ હેલિકોપ્ટર સેવાઓ પૂરી પાડે છે અને આશરે 80 લોકોને રોજગાર આપે છે. તેમાં પાઇલટ, એન્જિનિયર, ટેકનિશિયન, ગ્રાઉન્ડ સ્ટાફ અને ઓફિસ સ્ટાફનો સમાવેશ થાય છે. મનીષ માને છે કે સાચી સફળતા એ છે, જ્યારે પોતાની પ્રગતિ સાથે અન્ય લોકોના જીવનમાં પણ સુધારો આવે.
હેલિકોપ્ટર અને વિમાનો ઉમેરવા માંગે
ભવિષ્ય તરફ નજર કરીએ તો, મનીષ કુમાર સુનારી તેમની કંપનીને વધુ વિસ્તૃત કરવાની યોજના ધરાવે છે. તેઓ વધુ હેલિકોપ્ટર અને વિમાનો ઉમેરવા માંગે છે અને દેશની જરૂરિયાતના સમયમાં જેમ કે આપત્તિ વ્યવસ્થાપન, મેડિકલ ઇમરજન્સી અને ખાસ સેવાઓમાં પોતાની કંપનીને ઉપયોગી બનાવવા ઈચ્છે છે. તેમનો ઉદ્દેશ માત્ર વ્યવસાય નહીં, પરંતુ ભારતના ઉડ્ડયન ક્ષેત્રમાં આત્મનિર્ભરતા વધારવાનો છે
આ પણ વાંચો : “દમ મારો દમ”ની જગ્યાએ હવે “હરે કૃષ્ણ હરે રામ” કેમ બદલાયો Gen-Z નો અંદાજ?