સમય સાથે પેઢીઓ બદલાય છે, અને સાથે બદલાય છે વિચારધારા, પ્રાથમિકતાઓ અને જીવન જીવવાની રીત. આજની Gen-Z (1997 થી 2012 વચ્ચે જન્મેલી પેઢી) એનો જીવંત ઉદાહરણ છે. જેને આપણે એક સમય પર પાર્ટી, ક્લબ, મોડીરાત અને સોશિયલ મીડિયા સાથે સૌથી વધુ જોતા હતા, એ જ પેઢી આજે એક જ અલગ જ અંદાજમાં જોવા મળે છે હવે શાંતિ, ભક્તિ અને આત્મિકનો માર્ગ તમને વધારે પસંદ આવે છે.
આ નવા વર્ષમાં જોવા મળ્યો બદલાવ
તાજેતરમાં ઉજવાયેલા નવા વર્ષ દરમિયાન આ પરિવર્તન ખૂબ સ્પષ્ટ રીતે જોવા મળ્યો. જ્યાં પહેલાં નવા વર્ષની ઉજવણીનો અર્થ પબ, ક્લબ અને ટ્રેન્ડિંગ ડેસ્ટિનેશનમાં ઉજવણી કરવાનો હતો, ત્યાં હવે અનેક યુવાનો મંદિરો અને ધાર્મિક સ્થળોએ જોવા મળ્યા. કાશી વિશ્વનાથ, મથુરા-વૃંદાવન, અયોધ્યા અને વૈષ્ણો દેવી જેવા સ્થળોએ યુવાનોની ભીડ એ વાતની સાક્ષી આપે છે કે Gen-Z હવે પોતાની સંસ્કૃતિ સાથે ફરી જોડાઈ રહી છે.
માત્ર ઘાર્મિક નહી માનસિક કારણથી પણ
આ પરિવર્તન માત્ર ધાર્મિક આસ્થાથી જ જોડાયેલું નથી, પરંતુ માનસિક સ્વસ્થતાના કારણે પણ હવે આમાં જોડાયેલા છે. સતત સ્ક્રીન, નોટિફિકેશન અને ઝડપી જીવનશૈલીથી થાકી ગયેલી આ પેઢી માટે મંદિરો અને આશ્રમો “મેન્ટલ ડિટોક્સ”નું કેન્દ્ર બની રહ્યા છે. અહીં તેઓ અવાજ નહીં, પણ શાંતિ શોધે છે; દેખાવ નહીં, પણ અનુભૂતિ શોધે છે.
સોશિયલ મીડિયા પર હવે “હરે કૃષ્ણ હરે રામ”
સોશિયલ મીડિયા પર વાયરલ થતી રીલ્સ પણ આ બદલાવને દર્શાવે છે. “દમ મારો દમ”ની જગ્યાએ હવે “હરે કૃષ્ણ હરે રામ” અને “શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી” પર નૃત્ય કરતી Gen-Z એક નવા સંસ્કૃતિક અંદાજમાં છે. જ્યાં આધુનિકતા અને પરંપરા સાથે ચાલે છે.
દારુ પ્રત્યનો અભિગમ પણ બદલાયો
આ સાથે, દારૂ પ્રત્યેનો અભિગમ પણ બદલાયો છે. જનરલ-ઝેડ હવે દારૂને ‘કૂલ’ માનતી નથી. તેઓ સ્વસ્થ જીવનશૈલી, સોબર ડ્રિંકિંગ અને બિન-આલ્કોહોલિક વિકલ્પોને વધુ પસંદ કરે છે. “હેંગઓવર” નહીં, પરંતુ “ક્લેરિટી” સાથે સવાર કરવા ઈચ્છતી આ પેઢી માટે સ્વસ્થ મન અને શરીર સૌથી મોટી સંપત્તિ છે.
નવા વર્ષની ઉજવણી પાર્ટી નહીં મંદિરમાં
જયપુરના સેન્ટ્રલ પાર્કમાં “નવા વર્ષની શરૂઆત દારૂથી નહીં, દૂધથી કરો” જેવા સંદેશો અને કીર્તન જામિંગ જેવા કાર્યક્રમો એ દર્શાવે છે કે સંસ્કૃતિને પણ નવા સ્વરૂપમાં રજૂ કરી શકાય છે. સાથે અમદાવાદમાં પણ આ વર્ષે આ જ સ્વરૂપ જોવા મળ્યો હતો. Gen-Z પાર્ટીની જગ્યા પર મંદિરોમાં વધારે જોવા મળ્યા હતા.
ક્લબોથી દૂર જવું એ Gen-Zનો પલાયન નથી
આખરે, મંદિરો તરફ વળવું અને ક્લબોથી દૂર જવું એ Gen-Zનો પલાયન નથી, પરંતુ પોતાને શોધવાનો પ્રવાસ છે. આ પેઢી સમજી ગઈ છે કે સાચો ઉત્સાહ બહારની ચમકમાં નહીં, પરંતુ અંદરની શાંતિમાં છે. ભારતીય સંસ્કૃતિ, આધ્યાત્મિકતા અને સ્વસ્થ જીવનશૈલી સાથે જોડાઈને, Gen-Z એક વધુ જાગૃત અને સંતુલિત ભવિષ્ય તરફ આગળ વધી રહી છે.