છેલ્લા એક દાયકામાં તમિલનાડુમાં ભારતીય જનતા પાર્ટી (BJP)નો સૌથી મોટો અને ચર્ચિત ચહેરો બનેલા કે.અન્નામલાઈ હવે પોતાના રાજકીય માર્ગ બદલવાની તૈયારી કરી રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.મીડિયા રિપોર્ટ અનુસાર તેઓ ટૂંક સમયમાં ભાજપ છોડીને પોતાના નવા રાજકીય પક્ષનું ગઠન કરી શકે છે.જો કે અહેવાલો એવા પણ છે કે હાઈકમાન્ડે હાલ પૂરતી તેમની નારાજગી શાંત પાડી છે અને ચર્ચાઓનો દોર ચાલુ છે. 2024માં ભાજપની ટિકિટ પર લોકસભા ચૂંટણી લડી ચૂકેલા અન્નામલાઈનો આઈપીએસ ઓફિસરથી લઈને ફાયરબ્રાન્ડ નેતા સુધીનો સફર ખૂબ જ રસપ્રદ રહ્યો છે.
કેટલી સંપત્તિના માલિક છે અન્નામલાઈ?
તમિલનાડુના રાજકારણમાં પોતાની કારકિર્દી શરૂ કરનાર અન્નામલાઈ ઝડપથી રાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બની ગયા છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ના 2024ના અહેવાલ મુજબ અન્નામલાઈની કુલ સંપત્તિ 4 કરોડ 7 લાખ 26 હજાર 627 રૂપિયા છે.તેમની જંગમ સંપત્તિ 242,266,270ની છે.
કોણ છે કે.અન્નામલાઈ?
41 વર્ષના કે.અન્નામલાઈ વર્ષ 2011ની બેચના કર્ણાટક કેડરના આઈપીએસ અધિકારી હતા.તેમણે મે 2019માં પોલીસ સેવામાંથી રાજીનામું આપ્યું હતું.પોલીસ કરિયર દરમિયાન તેઓ ઉડુપી સહિતના અનેક જિલ્લાઓમાં પોલીસ અધિક્ષક (SP) તરીકે લોકપ્રિય રહ્યા હતા.જ્યારે તેમણે રાજીનામું આપ્યું ત્યારે તેઓ બેંગલુરુ દક્ષિણમાં ડેપ્યુટી કમિશનર પદ પર કાર્યરત હતા.તેઓ જણાવે છે કે,એક વરિષ્ઠ અધિકારીનું સ્વાઈન ફ્લૂથી થયેલું અવસાન અને કૈલાશ માનસરોવરની યાત્રાએ તેમના જીવનનો માર્ગ બદલવાના નિર્ણય પર ઊંડી અસર કરી હતી.
શા માટે ભાજપ છોડવા માંગે છે અન્નામલાઈ?
તમિલનાડુના રાજકારણમાં ટીવીકે (TVK) પક્ષના ઉદય બાદ વિપક્ષી ખેમામાં હોવા છતાં ભાજપ અને તેની સહયોગી પાર્ટી અન્નાદ્રમુક (AIADMK)ને મોટો ફટકો પડ્યો હતો. શરૂઆતથી જ અન્નાદ્રમુક સાથે ગઠબંધનનો વિરોધ કરી રહેલા ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ કે. અન્નામલાઈના તેવર ફરી એકવાર તીખા બન્યા છે. તેમના સમર્થકોએ રાજ્યમાં નવી પાર્ટી બનાવવાની અને અલગથી પોતાનું અભિયાન શરૂ કરવાની તૈયારીઓ પણ કરી લીધી છે
ભાજપ હાઈકમાન્ડે રાજીનામું સ્વીકારવાનો કર્યો ઇનકાર
રાજકીય સૂત્રોના જણાવ્યા અનુસાર, અન્નામલાઈએ ભાજપના વરિષ્ઠ નેતાઓ અને ગૃહમંત્રી અમિત શાહ સામે પોતાની ભાવિ ભૂમિકા અંગે વિસ્તૃત ચર્ચા કરી છે. અન્નામલાઈ તમિલનાડુની રાજનીતિમાં પોતાના રોડમેપ અને કાર્યયોજના અનુસાર કામ કરવા માંગે છે. ભલે તેમને પ્રદેશ અધ્યક્ષ ન બનાવવામાં આવે, પરંતુ રાજ્યની વ્યૂહરચના તેમની જ હોવી જોઈએ તેવી તેમની શરત છે. જો કે, ભાજપ નેતૃત્વે આ વાતનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે અને જણાવ્યું છે કે, તેમણે પક્ષ જે નક્કી કરશે તે જ ભૂમિકા ભજવવી પડશે અને નવી જવાબદારી માટે રાહ જોવી પડશે.
આ પણ વાંચો - Delhi Fire: માલવીય નગરમાં 5 માળની હોટલમાં ભભૂકી ઉઠી આગ, 10ના મોત