ચીની વિદેશ મંત્રી વાંગ યી આજથી બે દિવસીય ભારત પ્રવાસે આવી રહ્યા છે.આ દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ જય શંકર સાથે પણ મુલાકાત કરશે. આ મુલાકાતે એવા સમયે થઇ રહી છે. જ્યારે ભારત અને ચીન લાંબા સમયથી ચાલી રહેલા સીમા વિવાદને ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા છે અને દ્વિપક્ષીય વેપાર સંબંધો પર પણ ચર્ચાની આવશ્યકતા છે.


વિદેશ મંત્રી આજથી બે દિવસીય ભારતની મુલાકાતે

મળતી માહિતી પ્રમાણે ચીનના વિદેશ મંત્રી આજથી બે દિવસીય ભારતની મુલાકાતે છે. તેઓ પહેલાં દિલ્હી પહોંચશે. 18 ઓગસ્ટ એટલે કે આજે સાંજે હૈદરાબાદ હાઉસમાં વિદેશ મંત્રી એસ જયશંકર સાથે મુલાકાત કરશે. બેઠકમાં વેપાર, સુરક્ષા અને ક્ષેત્રીય સહયોગ સહિત ભારત-ચીન સંબંધોના અલગ અલગ મુદ્દા પર ચર્ચા પણ કરશે. બીજા દિવસે તેઓ સીમા વિવાદને લઇને ભારત અને ચીનના વિશેષ પ્રતિનિધિઓ સાથે 24મી બેઠક હૈદરાબાદ હાઉસ ખાતે કરશે. આજ દિવસે વાંગ યી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે પણ મુલાકાત કરશે. 19 ઓગસ્ટે સાંજે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. અનેક મુદ્દાઓ પર ચર્ચા કર્યા બાદ તેઓ પાછાં ફરશે.

ટેરિફ બાદ ભારતની મોસ્કો અને બીજિંગ સાથે નજીકી વધી

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર ઊંચો ટૅરિફ લગાવ્યા બાદ, ભારતે રશિયા અને ચીન સાથે પોતાના રાજકીય અને આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવવાનું શરૂ કર્યું છે. વેપાર, ઊર્જા અને સંરક્ષણ સહકાર જેવા ક્ષેત્રોમાં નવી પહેલ કરવામાં આવી છે. જેના કારણે ભારતની મોસ્કો અને બીજિંગ સાથેની નજીકીઓ વધી રહી છે. આ મુલાકાત દરમિયાન આ વ્યૂહાત્મક સમન્વય અને વેપાર સંતુલનને આગળ ધપાવવાનો પ્રયાસ થઈ શકે છે.

SCO શિખર સંમેલન પહેલા મહત્વપૂર્ણ મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઑગસ્ટ અને 1 સપ્ટેમ્બરે શાંઘાઈ સહયોગ સંસ્થા (SCO)ના વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેશે. આ દરમિયાન તેઓ ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરશે. આ છેલ્લાં સાત વર્ષમાં SCOના શિખર સંમેલનમાં ભાગ લેવા માટે પીએમ મોદીની પ્રથમ યાત્રા હશે. સંમેલનમાં 20થી વધુ દેશોના નેતાઓ અને 10 આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર રહેશે.

  • Follow us on: