ભારતના વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા રણધીર જયસ્વાલે કરાચીમાં તાજેતરમાં બનેલી ઘટનાને લઈને પાકિસ્તાન દ્વારા ભારત પર લગાવવામાં આવેલા આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. તેમણે આ તમામ આરોપોને 'નિરાધાર અને પાયાવિહોણા' ગણાવતાં કહ્યું કે પાકિસ્તાને બીજા દેશો પર આંગળી ઉઠાવવાને બદલે પોતાના દેશમાં રહેલા આતંકવાદી માળખા સામે વિશ્વસનીય કાર્યવાહી કરવી જોઈએ.


પાકિસ્તાને કોઈ વિશ્વસનીય પુરાવા રજૂ કર્યા નથી

રણધીર જયસ્વાલે પોતાના નિવેદનમાં જણાવ્યું કે પાકિસ્તાન સતત કોઈપણ ઘટનામાં ભારતને જવાબદાર ઠેરવવાનો પ્રયાસ કરે છે, પરંતુ આવા આરોપોને સમર્થન આપતા કોઈ વિશ્વસનીય પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે પાકિસ્તાને પોતાના દેશમાં સક્રિય આતંકવાદી સંગઠનો અને તેમના નેટવર્કને નાબૂદ કરવા માટે અસરકારક પગલાં લેવા જોઈએ.

તેમણે વધુમાં ઉમેર્યું કે આતંકવાદને રાજ્યની નીતિના સાધન તરીકે ઉપયોગ કરવાની પાકિસ્તાનની માનસિકતા બદલવાની જરૂર છે. ભારતનું માનવું છે કે આતંકવાદ સામેની લડાઈમાં દરેક દેશે જવાબદારીપૂર્વક વર્તવું જોઈએ અને પોતાના પ્રદેશમાંથી આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન ન મળે તેની ખાતરી કરવી જોઈએ.

ભારતે સ્પષ્ટ અને કડક વલણ અપનાવ્યું 

ભારતે ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે તે આતંકવાદ સામે 'શૂન્ય સહનશીલતા'ની નીતિ પર અડગ છે અને વૈશ્વિક સ્તરે પણ આતંકવાદ વિરુદ્ધ કડક કાર્યવાહીનું સમર્થન કરે છે. વિદેશ મંત્રાલયના આ નિવેદન બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા રાજદ્વારી તણાવ અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે. હાલ કરાચીની ઘટનાને લઈને પાકિસ્તાનના આરોપો અંગે ભારતે સ્પષ્ટ અને કડક વલણ અપનાવ્યું છે અને પોતાના પર લગાવવામાં આવેલા તમામ આરોપોને સખત શબ્દોમાં ફગાવી દીધા છે.

આ પણ વાંચો : Sheikh Hasina: ભારતમાં આશરો લઈ રહેલા શેખ હસીના ક્યારે પરત ફરશે બાંગ્લાદેશ?


  • Follow us on: