ઈરાનમાં સુરક્ષા સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ફરી એકવાર સુધારેલી ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે. એક અઠવાડિયામાં આ બીજી વખત છે જ્યારે ભારતે પોતાના નાગરિકો માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. એમ્બેસી ઓફ ઈન્ડિયા ઈન તેહરાને જણાવ્યું છે કે છેલ્લા કેટલાક દિવસોમાં સુરક્ષા સ્થિતિમાં સુધારાના સકારાત્મક સંકેતો જોવા મળ્યા છે, છતાં પરિસ્થિતિ હજુ સંપૂર્ણપણે સામાન્ય નથી.


વિશેષ સાવચેતી રાખવા અપીલ 

ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકોને આગામી સૂચના સુધી ઈરાનની બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપી છે. જોકે જેમના માટે ઈરાન જવું અનિવાર્ય હોય અથવા જે પહેલેથી ત્યાં રહેતા હોય, તેમને વિશેષ સાવચેતી રાખવા માટે કહેવામાં આવ્યું છે. દૂતાવાસે ઈરાનમાં રહેલા ભારતીયોને સ્થાનિક સત્તાધિકારીઓના સૂચનોનું પાલન કરવા અને વિશ્વસનીય સ્ત્રોતો પાસેથી સુરક્ષા સંબંધિત માહિતી મેળવતા રહેવા અપીલ કરી છે. 

અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ઘટાડવાના પ્રયાસો 

સાથે જ ઈરાનમાં હાજર અને નવા પહોંચતા તમામ ભારતીય નાગરિકોને દૂતાવાસમાં પોતાનું રજિસ્ટ્રેશન કરાવવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે. ઈમરજન્સી માટે હેલ્પલાઈન નંબર અને ઈમેલ સુવિધા પણ જાહેર કરવામાં આવી છે. આ એડવાઈઝરી એવા સમયે બહાર પાડવામાં આવી છે જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ઘટાડવાના પ્રયાસો ચાલી રહ્યા છે. બંને દેશો વચ્ચે તાજેતરમાં કતાર અને પાકિસ્તાન જેવા મધ્યસ્થી દેશોની મદદથી ચર્ચાનો પ્રથમ તબક્કો પૂર્ણ થયો છે. બંને પક્ષોએ આગામી 60 દિવસમાં વ્યાપક સમજૂતી તરફ આગળ વધવા માટે માર્ગનકશો તૈયાર કરવા સંમતિ દર્શાવી હોવાનું જણાવાયું છે.

ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે પરિસ્થિતિમાં સુધારો જોવા મળ્યો હોવા છતાં સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે. પશ્ચિમ એશિયામાં છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલા તણાવને કારણે ભારત સતત પોતાના નાગરિકોની સુરક્ષા પર નજર રાખી રહ્યું છે અને સમયાંતરે જરૂરી માર્ગદર્શન આપી રહ્યું છે.

આ પણ વાંચો : Sandesh Digital Explainer: શું પાસપોર્ટ, આધાર અને ચૂંટણી કાર્ડ નાગરિક હોવાનો પૂરાવો નથી?


  • Follow us on: