14મા પાસપોર્ટ સેવા દિવસ પર ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદન આપ્યું હતું.જેમાં વિદેશ મંત્રાલયે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ભારતીય પાસપોર્ટ એ નાગરિકતાનો પુરાવો નથી તે માત્ર એક મુસાફરી માટેનો દસ્તાવેજ છે.પાસપોર્ટ ઈશ્યૂ કરવામાં પોલીસ વેરિફિકેશન અને ઘણા સરકારી દસ્તાવેજોની તપાસ કરવામાં આવે છે.પરંતુ નાગરિકતાનો નિર્ણય બંધારણ અને નાગરિકતા અધિનિયમ 1955 મુજબ લેવામાં આવે છે.વિદેશ મંત્રાયલના નિવેદન બાદ દેશમાં પાસપોર્ટનો વિવાદ વધુ વકરી રહ્યો છે. ત્યારે ભારતીય નાગરિકતા સાબિત કરવા માટે કયો દસ્તાવેજ જરૂરી છે? જાણો સંદેશ ડિજિટલ એક્સપ્લેનર.
નાગરિકતા સાબિત કરવાની જવાબદારી કોની?
ફોરેનર્સ એક્ટ 1946ની કલમ 8 અને 9 મુજબ ભારતીય નાગરિકતા સાબિત કરવાની જવાબદારી તે વ્યક્તિની છે જે દાવો કરી રહ્યો છે રાજ્યની નહીં. ઇલલીગલ માઇગ્રન્ટ્સ એક્ટ 1983 જે આસામ રાજ્યમાં લાગુ હતો તેણે આ નિયમને ઉલટાવી દીધો હતો અને કહ્યું હતું કે કોઈ વ્યક્તિ ભારતીય નાગરિક નથી તે સાબિત કરવાની જવાબદારી રાજ્યની છે.સુપ્રીમ કોર્ટે પુરાવા રજૂ કરવાની જવાબદારી રાજ્ય પર નાખવાને મનસ્વી અને અનુચિત ગણી હતી અને સર્બાનંદ સોનોવાલ કેસમાં IMDT એક્ટને રદ કર્યો હતો.કોર્ટે કહ્યું કે પોતાની અને પોતાના માતા-પિતાના જન્મ સાથે જોડાયેલી માહિતી વ્યક્તિ પાસે જ હોય છે.તેથી નાગરિકતા માટે આ તથ્યોને સાબિત કરવાની જવાબદારી તે વ્યક્તિની જ હોવી જોઈએ.કોર્ટના મતે સંબંધિત વ્યક્તિ પર પુરાવા રજૂ કરવાની જવાબદારી નાખવા પાછળનું આ એક સારું અને નક્કર કારણ છે.

નાગરિકતાને લઈ ભારતીય કાયદો શું કહે છે?
ઘણા દેશોથી વિપરીત ભારતના નાગરિક પાસે એવું કોઈ એક પણ નાગરિકતા પ્રમાણપત્ર નથી જે દરેક નાગરિકને જન્મ સમયે આપોઆપ મળી જતું હોય.ફેબ્રુઆરી 2020માં જ્યારે સંસદમાં એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે શું આધાર, પાસપોર્ટ, રાશનકાર્ડ, વોટર આઈડી, પાન કાર્ડ અથવા જન્મ પ્રમાણપત્રને નાગરિકતા સાબિત કરવા માટે માન્ય દસ્તાવેજ માની શકાય ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આમાંથી કોઈને પણ નાગરિકતાનો પાક્કો પુરાવો ગણાવ્યો ન હતો.તેના બદલે મંત્રાલયે સ્પષ્ટ કર્યું હતું કે નાગરિકતા મેળવવા અને નક્કી કરવાના નિયમો 'નાગરિકતા અધિનિયમ, 1955' અને તેના હેઠળ બનેલા નિયમો દ્વારા નક્કી થાય છે. નાગરિકતા જન્મ, વંશ, રજીસ્ટ્રેશન, કુદરતી રીતે નાગરિકતા મળવી અથવા કોઈ વિસ્તારના ભારતમાં જોડાવાથી મેળવી શકાય છે.
આ કાગળોથી મતદાર નક્કી પણ ભારતીય નાગરિક નહીં
CAA-NRC અંગેની શંકાઓને દૂર કરવાના હેતુથી બહાર પાડવામાં આવેલી આ પ્રેસ રિલીઝમાં થોડી અનિશ્ચિતતા દર્શાવતા કહેવામાં આવ્યું હતું કે, આવા દસ્તાવેજોમાં આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાયસન્સ, વીમાના કાગળો, જન્મ પ્રમાણપત્ર, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જમીન કે ઘર સાથે જોડાયેલા દસ્તાવેજો અથવા સરકારી અધિકારીઓ દ્વારા જારી કરવામાં આવેલા આવા જ અન્ય દસ્તાવેજોનો સમાવેશ થઈ શકે છે.જન્મની તારીખ અને જન્મના સ્થળ સાથે જોડાયેલા કોઈપણ દસ્તાવેજો જમા કરાવીને નાગરિકતા સાબિત કરી શકાય છે.

આધારનો ઉપયોગ ફક્ત ઓળખનો પુરાવો: સુપ્રીમ કોર્ટ
બિહાર SIR કેસની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટની જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્ય બાગચીની બેન્ચે 12 ઓગસ્ટ 2025ના રોજ કહ્યું હતું કે, દાવાઓ અને વાંધાઓ દાખલ કરતી વખતે આધારનો ઉપયોગ ફક્ત ઓળખના પુરાવા તરીકે કરવામાં આવશે ન કે ભારતીય નાગરિકતાના પુરાવા તરીકે.સરકારના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોએ 20 ડિસેમ્બર 2019ના રોજ નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ (NRC)સાથે જોડાયેલા એક પ્રશ્ન-જવાબમાં કહ્યું હતું કે, જન્મની તારીખ અને જન્મસ્થળ સાથે જોડાયેલા કોઈપણ દસ્તાવેજો જમા કરીને નાગરિકતા સાબિત કરી શકાય છે. આવા સ્વીકાર્ય દસ્તાવેજો પર હજુ કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.
પાસપોર્ટને લઈને કોઈ વૈશ્વિક નિયમ કેમ નથી?
એવા દેશોની કોઈ યાદી નથી જ્યાં પાસપોર્ટને કાયદેસર રીતે નાગરિકતાના પુરાવા તરીકે સ્વીકારવામાં આવતો હોય, કારણ કે દરેક દેશના કાયદા અલગ-અલગ હોય છે.અધિકારીઓ ક્યારેક પાસપોર્ટ સિવાયના અન્ય દસ્તાવેજોની પણ તપાસ કરી શકે છે, કારણ કે કેટલીક પરિસ્થિતિઓમાં પાસપોર્ટ હોવા છતાં તે માન્ય રહી શકે છે. નાગરિકતા છીનવાઈ જવી, વહીવટી ભૂલો થવી, ઇશ્યૂ કરતી વખતે છેતરપિંડી થઈ હોય, અથવા પાછળથી નાગરિકતા સાથે જોડાયેલા વિવાદો સામે આવવા જેવી બાબતોને કારણે, ઘણી સરકારો પ્રશ્ન ઉઠે ત્યારે નાગરિકતાના મૂળ પુરાવાની તપાસ કરવાનો અધિકાર પોતાની પાસે રાખે છે.

કપિલ સિબ્બલથી લઈને જાવેદ અખ્તર સુધીના દિગ્ગજો સરકાર પર કેમ ભડક્યા?
વરિષ્ઠ વકીલ અને રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બલે સરકારને સવાલ કર્યો છે કે,જો પાસપોર્ટ નાગરિકતાનો અંતિમ પુરાવો નથી તો પછી દેશનો સામાન્ય નાગરિક કયા દસ્તાવેજ પર ભરોસો રાખે? તેમણે આશંકા વ્યક્ત કરી છે કે શું હવે સામાન્ય નાગરિકે દરેક વખતે પોતાની નાગરિકતા સાબિત કરવા માટે ડરના ઓછાયામાં જીવવું પડશે? ગીતકાર અને લેખક જાવેદ અખ્તરે પણ સરકારના આ વલણની આકરી ટીકા કરી છે.તેમણે તર્ક આપ્યો છે કે પાસપોર્ટ જારી કરતા પહેલા પોલીસ વેરિફિકેશન અને વ્યક્તિના નેશનલ સ્ટેટસની સંપૂર્ણ તપાસ કરવામાં આવે છે તો પછી તેને માત્ર એક ટ્રાવેલ ડોક્યુમેન્ટ ગણાવીને તેના મહત્વને શા માટે ઓછું કરવામાં આવી રહ્યું છે? પૂર્વ રાજદ્વારી નિરુપમા મેનન રાવે જણાવ્યું છે કે આ સમગ્ર ચર્ચાએ ઉકેલ લાવવાને બદલે માત્ર મૂંઝવણ અને વિવાદ જ પેદા કર્યો છે. સામાન્ય લોકો આ કાયદાકીય બારીકીઓને સમજી શકતા નથી જેના કારણે લોકોમાં ગભરાટ અને અસમંજસનો માહોલ ફેલાઈ રહ્યો છે.
આ પણ વાંચોઃ Weather Update: ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય, સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ