ભારતીય નૌકાદળનું સ્ટીલ્થ ફ્રિગેટ INS Trikand મોરેશિયસની રાજધાની પોર્ટ લુઈસ ખાતે પહોંચી ગયું છે. દક્ષિણ પશ્ચિમ હિંદ મહાસાગર વિસ્તારમાં ચાલી રહેલા ઓપરેશનલ તૈનાતી દરમિયાન જહાજે મોરેશિયસમાં પોર્ટ કોલ કર્યો હોવાનું ભારતીય નેવી દ્વારા જણાવાયું છે. આ મુલાકાત બંને દેશો વચ્ચેના મજબૂત દરિયાઈ સહકાર અને મિત્રતાનું પ્રતીક માનવામાં આવી રહી છે. મોરેશિયસમાં રોકાણ દરમિયાન આ જહાજ અનેક ઔપચારિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેશે.


પરેડમાં ભારતીય નૌકાદળની માર્ચિંગ ટુકડી પણ ભાગ લેશે

ખાસ કરીને જહાજ મોરેશિયસની 58મી રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં મહત્વપૂર્ણ ભાગ ભજવશે. મોરેશિયસમાં રાષ્ટ્રીય દિવસ નિમિત્તે 12 માર્ચ 2026ના રોજ Champ de Mars ખાતે ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરેડમાં ભારતીય નૌકાદળની માર્ચિંગ ટુકડી પણ ભાગ લેશે, જે ભારત અને મોરેશિયસ વચ્ચેના સૈન્ય સહકારને દર્શાવશે. આ કાર્યક્રમ દરમિયાન ભારતીય નૌકાદળનું બેન્ડ પણ પોતાની સંગીતમય રજૂઆત આપશે, જે દર્શકો માટે વિશેષ આકર્ષણ બનશે. સાથે જ જહાજનું ઈન્ટિગ્રલ હેલિકોપ્ટર પરેડ દરમિયાન ફ્લાય-પાસ્ટ કરશે, જે કાર્યક્રમની ભવ્યતામાં વધારો કરશે.

બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનશે

મોરેશિયસ અને ભારત વચ્ચે લાંબા સમયથી મૈત્રીપૂર્ણ સંબંધો રહ્યા છે અને બંને દેશો સમુદ્રી સુરક્ષા, વેપાર અને રક્ષા ક્ષેત્રે સતત સહકાર વધારી રહ્યા છે. ભારતીય નૌકાદળનું જહાજ મોરેશિયસ પહોંચવું આ સંબંધોને વધુ મજબૂત બનાવવાનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. ભારતીય નૌકાદળના અધિકારીઓએ જણાવ્યું કે આ મુલાકાતથી બંને દેશો વચ્ચેના નૌકાદળ સ્તરના સંબંધો વધુ મજબૂત બનશે અને હિંદ મહાસાગર વિસ્તારમાં સહકાર વધારવામાં મદદ મળશે.

આ પણ વાંચો : Deepika Adhana: જંગના મેદાનમાંથી 169 ભારતીયોનું રેસ્ક્યુ, વાંચો ફરીદાબાદની 23 વર્ષીય પાયલોટની સાહસગાથા


  • Follow us on: