ટ્રમ્પ ટેરિફમાંથી 90 દિવસની મુક્તિ થોડા દિવસમાં સમાપ્ત થવા જઈ રહી છે. આ ટેરિફની અંતિમ તારીખ 9 જુલાઈ છે, એવામાં હવે ભારત અમેરિકા સાથે મોટા વ્યાપાર સોદા કરવા જઈ રહ્યું છે ત્યારે હવે ફરીથી ટ્રમ્પ ટેરિફનો મુદ્દો પાછો ગરમાયો છે.


ડોનાલ્ડ ટ્રમ્પનો કોહરામ 

અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સત્તા પર આવતાની સાથેજ તેમણે વિશ્વના તમામ દેશો પર રેસિપ્રોકલ ટેરિફ એટલે કે પારસ્પરિક ટેરિફ લગાવીને આખી દુનિયામાં કોહરામ મચાવી દીધો હતો. જોકે બાદમાં ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી અલગ અલગ દેશોના લીડર સાથે વાત કરવામાં આવી અને ટેરિફમાં થોડા સમય માટે રાહત આપવામાં આવી હતી. ત્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણે ભારત-અમેરિકા વેપાર સોદા અંગે મોટું નિવેદન આપીને સરકારનું વલણ સ્પષ્ટ કર્યું છે.

સીતારમણનું મહત્વનું નિવેદન

ભારત-અમેરિકા સોદા પર નાણામંત્રી નિર્મલા સીતારમણે સરકાર તરફથી મહત્વનું નિવેદન આપતા કહ્યું છે, કે ભારતમાં અસરકારક ટેરિફ દરો સંસદની મંજૂરી પછી જાહેર કરવામાં આવે છે અને તે WTO દ્વારા નિર્ધારિત મર્યાદાથી ઘણા ઓછા ટેરિફ છે. આ નિવેદન આપતાની સાથે નાણામંત્રી નિર્મલા સીતારમણે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એક નિવેદનને ટાંકીને સરકાર તરફથી એક મોટી સ્પષ્ટતા પણ કરી હતી. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે નિર્ધારિત મર્યાદાથી ઘણા ઓછા ટેરિફ હોવાથી ભારતને ટેરિફ કિંગ કહેવું સંપૂર્ણપણે અન્યાયી છે.

ભારત પણ શરતો લાગુ કરશે 

ડોનાલ્ડ ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફ એટલે કે પારસ્પરિક ટેરિફ અંગે જે રાહત મળી હતી એની અંતિમ તારીખ 9 જુલાઈ છે. ત્યારે હવે અમેરિકા સાથેના વ્યાપક કરાર વિશે વાત કરતા, નિર્મલા સીતારમણે કહ્યું કે ભારતમાં કૃષિ અને ડેરી ક્ષેત્રો માટે હજુ પણ ચોક્કસ મર્યાદાઓ છે, જેનો વિચાર કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. ડોનાલ્ડ ટ્રમ્પનો ઉલ્લેખ કરતા, નાણામંત્રીએ એક ઇન્ટરવ્યુ દરમિયાન અમેરિકા સાથેના વેપાર સોદા અંગેના પ્રશ્નના જવાબમાં કહ્યું, 'અમે અમેરિકા સાથે એક મોટો, સારો અને મહાન સોદો કરવા માંગીએ છીએ. ભારત અમેરિકા સાથે એક મોટો અને સારો સોદો કરવા માંગે છે, પરંતુ આ માટે શરતો પણ લાગુ પડશે.'

  • Follow us on: