વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે 10 સપ્ટેમ્બરના રોજ ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે ફોન પર વાતચીત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત-યુરોપિયન યુનિયનના સફળ વેપાર કરાર માટે તેમના ઈટાલિયન સમકક્ષનો આભાર માન્યો છે. આ બંને નેતાઓએ રોકાણ, સંરક્ષણ, સુરક્ષા, અવકાશ, વિજ્ઞાન અને ટેકનોલોજી, શિક્ષણ, લોકો-થી-લોકોના સંબંધો અને આતંકવાદ વિરોધી ક્ષેત્રોમાં દ્વિપક્ષીય વ્યૂહાત્મક ભાગીદારીમાં વિકાસની સમીક્ષા કરી અને તેનું સકારાત્મક મૂલ્યાંકન કર્યું છે.
વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પર આપી જાણકારી
બંને નેતાઓએ સંયુક્ત વ્યૂહાત્મક કાર્ય યોજના 2025-29 અનુસાર ભાગીદારીને વધુ વધારવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. વાતચીત વિશે માહિતી આપતાં પીએમ મોદીએ X પોસ્ટમાં લખ્યું, "વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે ખૂબ જ સારી વાતચીત થઈ. અમે ભારત-ઇટાલી વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની અમારી સંયુક્ત પ્રતિબદ્ધતાને પુનરોચ્ચારિત કરી અને યુક્રેનમાં સંઘર્ષને શક્ય તેટલી વહેલી તકે સમાપ્ત કરવામાં સહિયારી રુચિ દર્શાવી. પરસ્પર ફાયદાકારક ભારત-EU વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવા અને IMEEEC પહેલ દ્વારા કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપવા માટે ઈટાલીના સક્રિય સહયોગ બદલ વડાપ્રધાન મેલોનીનો આભાર."
જૂનમાં મોદી-મેલોની મળ્યા હતા
જૂન મહિનામાં કેનેડામાં G7 સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ઈટાલિયન સમકક્ષ જ્યોર્જિયા મેલોનીને મળ્યા હતા. તે સમયે વાતચીત દરમિયાન મેલોની અને વડાપ્રધાન મોદી વચ્ચેની મિત્રતા સ્પષ્ટપણે દેખાઈ રહી હતી. મેલોનીને વડાપ્રધાન મોદીને કહેતા સાંભળવામાં આવ્યા હતા કે તેઓ 'શ્રેષ્ઠ' છે અને તેઓ તેમના જેવા બનવાનો પ્રયાસ કરી રહ્યા છે. બંને નેતાઓએ ટ્વીટર પર તેમની મુલાકાત વિશે એક પોસ્ટ પણ શેર કરી. પીએમ મોદીએ પોસ્ટ કર્યું, "ભારતની ઈટાલી સાથેની મિત્રતા વધુ મજબૂત થતી રહેશે, જેનાથી આપણા લોકોને અપાર લાભ થશે!"