ભારતની સૈન્ય શક્તિમાં ધરખમ વધારો કરવા માટે રશિયા દ્વારા વધુ એક મોટું પગલું ભરવામાં આવ્યું છે. S-400 ટ્રાયમ્ફના સફળ કરાર બાદ હવે રશિયાએ ભારતને પોતાનું અત્યંત ઘાતક મધ્યમ અંતરનું એર ડિફેન્સ સિસ્ટમ S-350 Vityaz ઓફર કર્યું છે. આ ઓફરની સૌથી મહત્વની બાબત એ છે કે, રશિયા આ સિસ્ટમ ટેકનોલોજી ટ્રાન્સફર (ToT) સાથે આપવા તૈયાર છે, જેનો અર્થ છે કે, તેનું ઉત્પાદન ભારતમાં જ થઈ શકશે.
શું છે S-350 Vityazની તાકાત?
S-350 Vityaz એ S-400નું પૂરક ગણાય છે. જ્યાં S-400 લાંબા અંતરના જોખમોને જુએ છે, ત્યાં S-350 મધ્યમ અને ટૂંકા અંતરના હુમલાઓને નિષ્ફળ બનાવે છે. S-350 Vityazની રેન્જની વાત કરવામાં આવે તો તે 120 કિમી દૂરથી ફાઈટર જેટ્સ અને 30 કિમી દૂરથી બેલેસ્ટિક મિસાઈલોને તોડી પાડી શકે છે.
S-350 Vityaz મિસાઈલ ક્ષમતા 12 મિસાઈલની છે. જેનો અર્થ છે કે, તેનું એક લોન્ચર 12 મિસાઈલ લઈ જઈ શકે છે અને તે એકસાથે 16 ટાર્ગેટ પર સચોટ નિશાન સાધવાની ક્ષમતા ધરાવે છે. S-350 Vityaz ચીનના J-20 જેવા સ્ટીલ્થ જેટ્સ, ડ્રોન અને ક્રૂઝ મિસાઈલોને પકડવા માટે અત્યાધુનિક AESA રડારથી સજ્જ છે.
ચીન અને પાકિસ્તાન સામે રક્ષણ
પાકિસ્તાન તરફથી આવતી 'બાબર' જેવી લો-અલ્ટીટ્યુડ ક્રૂઝ મિસાઈલો હોય કે ચીનના અત્યાધુનિક ડ્રોન ફ્લીટ, S-350 ભારતની સરહદોને અભેદ્ય કિલ્લામાં ફેરવી દેશે. લદ્દાખ અને અરૂણાચલ જેવા પહાડી વિસ્તારોમાં, જ્યાં ઊંચાઈ પરથી થતા હુમલાઓનું જોખમ વધુ હોય છે, ત્યાં આ સિસ્ટમ ક્વિક રિએક્શન ટાઈમ સાથે ભારતને સુરક્ષા પૂરી પાડશે.
ભારત પાસે પહેલેથી જ આકાશ અને બરાક-8 જેવી સિસ્ટમ છે, પરંતુ S-350ના ઉમેરાથી ભારતની 'મલ્ટી-લેયર્ડ એર ડિફેન્સ' વ્યૂહરચના પૂર્ણ થશે. જો આ કરાર સફળ રહેશે, તો ભારત આકાશમાં દુશ્મનના કોઈપણ દુસાહસને જડબાતોડ જવાબ આપવા માટે સક્ષમ બનશે.
આ પણ વાંચો - Flashback 2025 : સંઘર્ષોનું વર્ષ , જ્યારે દુનિયા ત્રીજા વિશ્વયુદ્ધના ભયની નજીક પહોંચી