ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે બ્રિક્સ દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં વૈશ્વિક વેપાર વ્યવસ્થા પર વધી રહેલા દબાણ અને પડકારોનો સામનો કરવા માટે સંયુક્ત કાર્યવાહીનો પ્રસ્તાવ મૂક્યો છે. જોકે, તેમણે સીધું અમેરિકાનું નામ ન લીધું, પણ તેમના નિવેદનમાં વધતા સંરક્ષણવાદ, ઊંચા ટેરિફ અને બિન-શુલ્ક અવરોધો સામે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. આ અવરોધો વેપારને ગંભીર રીતે અસર કરી રહ્યા છે, ત્યારે જયશંકરે બ્રિક્સને બહુપક્ષીય વેપાર વ્યવસ્થાની રક્ષા કરવા હાકલ કરી હતી. ઇથિયોપિયાના વિદેશ રાજ્ય મંત્રી હદેરા અબેરા અદમાસુએ પણ આ પ્રસ્તાવને ટેકો આપ્યો હતો, અને જણાવ્યું હતું કે બ્રિક્સને વિકાસશીલ દેશો માટે ન્યાયપૂર્ણ માહોલ બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવવી જોઈએ.
આંતરરાષ્ટ્રીય સુધારા અને સુરક્ષા પર ભાર
વિદેશ મંત્રી એસ. જયશંકરે બ્રિક્સ અને આઇબીએસએ (ભારત, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા)ની બેઠકોમાં સંયુક્ત રાષ્ટ્રના મહત્ત્વપૂર્ણ અંગો, ખાસ કરીને સુરક્ષા પરિષદમાં વ્યાપક સુધારાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે અશાંત વિશ્વમાં બ્રિક્સ દેશોએ શાંતિ સ્થાપના, સંવાદ, કૂટનીતિ અને આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરવાના સંદેશને મજબૂત કરવો જોઈએ. આ ઉપરાંત, મંત્રીએ જણાવ્યું કે ભારતની પ્રાથમિકતામાં ખાદ્ય અને ઊર્જા સુરક્ષા, ક્લાઇમેટ ચેન્જ અને ટકાઉ વિકાસનો સમાવેશ થાય છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, ટેકનોલોજી અને ડિજિટલ પરિવર્તન બ્રિક્સ સહયોગના આગામી તબક્કાને નિર્ધારિત કરશે.













