- અધીર રંજન ચૌધરીને કરાયા સસ્પેન્ડ
- વિપક્ષ નેતાએ PM પર કરી હતી ટિપ્પણી
- વિપક્ષ નેતાના નિવેદન બાદ થયો હતો હોબાળો
કોંગ્રેસ અને વિપક્ષ નેતા અધીર રંજન ચૌધરીને ગુરુવારે લોકસભાની કાર્યવાહીથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યાં સુધી કેસ પ્રિવિલેજ કમિટિ પાસે છે અને તપાસ રિપોર્ટ આવે, ત્યાં સુધી અધીર રંજન ચૌધરી સદનમાંથી સસપેન્ડ રહેશે. અધીર રંજન ચૌધરીએ લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન PM મોદી પર ટિપ્પણી કરી હતી. જેને લઈ કાર્યવાહી કરવામાં આવી છે.
વિપક્ષ નેતાનું વર્તન સદન અનુરૂપ નથી
સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ સદનમાં પ્રસ્તાવ રજૂ કરતા કહ્યું કે, કોંગ્રેસ નેતા દર વખતે દેશ અને સરકારની પ્રતિષ્ઠાને ખરાબ કરવાનો પ્રયાસ કરે છે. અમે એ સમયે માફીની માંગ કરી હતી, પરંતુ તેમણે માફી માંગી નહતી. તેમના વિરુદ્ધ પ્રસ્તાવ લાવવામાં આવ્યો, જેને સ્વીકૃત કરવામાં આવ્યો છે. સ્પીકરે કહ્યું કે, અધિર રંજન ચૌધરીનું વર્તન સદન અનુરૂપ નહતું.
'નવા નીરવ મોદીને જોવાનો શું ફાયદો'
સસ્પેન્ડ થયા બાદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, મારે વોકાઉટ કરવું પડ્યું છે. કારણ કે, મણિપુર મુદ્દે આજે પણ PM 'નીરવ' જ બની રહ્યા છે. જેથી મેં વિચાર્યું કે, 'નીરવ મોદી'ને જોવાનો શું ફાયદો છે. PM મોદી કહે છે કે, સમગ્ર દેશ તેમની સાથે છે, તો પછી તે કોંગ્રેસથી કેમ ડરે છે.
અધીર રંજન ચૌધરીના નિવેદન પર હોબાળો
કોંગ્રેસ નેતાના આ નિવેદન બાદ સદનમાં હોબાળો શરૂ થયો હતો. સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ તે સમયે સદનમાં કહ્યું હતું કે, પ્રધાનમંત્રી એક હાઈ ઓથોરિટી છે. આને ખતમ કરવું જોઈએ અને વિપક્ષ નેતાએ માફી માંગવી જોઈએ. પ્રધાનમંત્રી વિરુદ્ધ નિરાધાર આરોપ સ્વીકાર કરવામાં આવશે નહીં. આના પર લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે, આને રેકોર્ડથી બહાર કરવામાં આવ્યું છે.