ગઈ રાત પાકિસ્તાન માટે કયામતના દિવસ જેવી ગઈ. ભારતીય સેનાએ મિસાઇલ હુમલામાં પાકિસ્તાનમાં લગભગ 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઓછામાં ઓછા 90 આતંકવાદીઓ માર્યા ગયા છે. એવા વિસ્તારો જ્યાં ભારતે આતંકવાદીઓના ઠેકાણાઓ પર બોમ્બ ફેંક્યા છે. તે છે - મુઝફ્ફરાબાદ, કોટલી, ગુલપુર, ભીમ્બર, સિયાલકોટ, ચક અમરુ, મુરીદકે. સૌથી રસપ્રદ વાત એ છે કે ભારતે આ હુમલો પાકિસ્તાનમાં લગભગ 100 કિલોમીટર અંદર જઈને કર્યો હતો. સેનાએ આ સમગ્ર લશ્કરી કાર્યવાહીને 'ઓપરેશન સિંદૂર' નામ આપ્યું છે.


બહાવલપુરમાં જ પાકિસ્તાની આતંકવાદીઓની ફેક્ટરી છે. મધ્યરાત્રિએ થયેલા હવાઈ હુમલામાં આતંકવાદી મસૂદ અઝહરની મદરેસાનો નાશ થયો છે. આ જૈશ-એ-મોહમ્મદનો ગઢ છે, જ્યાંથી આતંકવાદીઓને તાલીમ આપવામાં આવતી હતી અને ભારતમાં ઘુસણખોરી કરાવવામાં આવતી હતી. દુનિયાને બતાવવા માટે, જૈશના બહાવલપુર મુખ્યાલયમાં ચેરિટી કાર્ય કરવામાં આવતું હોવાનું કહેવામાં આવતું હતું પરંતુ વાસ્તવમાં આતંકવાદીઓને અહીંથી તાલીમ આપવામાં આવતી હતી. ભારતીય હવાઈ હુમલામાં બહાવલપુરમાં જૈશના મુખ્યાલય તેમજ મુરીદકેમાં લશ્કર-એ-તૈયબાના મુખ્યાલયને ઉડાવી દેવામાં આવ્યું છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરીને એક વિડીયો શેર કર્યો છે. વિડીયોમાં એક સ્થાનિક પાકિસ્તાની નાગરિક ભારતના હવાઈ હુમલા વિશે માહિતી આપી રહ્યો છે. તે પાકિસ્તાની વ્યક્તિ કહી રહી છે કે, “પાકિસ્તાનીઓ, ભારતે જંગ શરૂ કરી દીધી છે. મારા બહાવલપુર શહેરની અંદર મૌલાના મસૂદ અઝહરની મદરેસા પર 4 મિસાઈલ છોડવામાં આવ્યા છે.”

વધુમાં તે કહે છે કે, “ચાર મિસાઈલો સાથે મૌલાના મસૂદ અઝહરની મદરેસા પર હુમલા કરવામાં આવ્યા છે.” વધુમાં તે પાકિસ્તાની એજન્સીઓ અને સેના પર પણ સવાલ ઉઠાવે છે અને કહે છે કે, પાકિસ્તાની એજન્સીઓ અને સેના ક્યાં સૂતી હતી? ભારતીય સેનાએ હવાઈ હુમલા કર્યા ત્યારે આ બધા ક્યાં જતાં રહ્યા હતા. આ સાથે જ તે કહે છે કે, ભારતીય સેનાએ બેલેસ્ટિક મિસાઈલો સાથે હુમલા કર્યા છે. આ સાથે જ બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદનું હેડ ક્વાર્ટર પર ઉડાવી દેવામાં આવ્યું છે.

  • Follow us on: