પાકિસ્તાની રેન્જર્સે 80 કલાકથી વધુ સમય થયો હોવા છતાં અત્યાર સુધી ભૂલથી સરહદ પાર કરી ગયેલા BSFના જવાન પૂર્ણમ સાહુને પરત મોકલ્યો નથી. આ ઘટનાને 3 દિવસથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ સૈનિકની વાપસી અંગે પાકિસ્તાન તરફથી કોઈ સકારાત્મક પ્રતિભાવ જોવા મળ્યો નથી. આ દરમિયાન પશ્ચિમ બંગાળમાં પૂર્ણમ સાહુના પરિવારના સભ્યો ખૂબ જ ચિંતિત છે. તેના પિતાએ પોતાના પુત્રની સલામતી અંગે મોટી ચિંતા વ્યક્ત કરી છે.


BSFએ 3 વખત પાકિસ્તાન રેન્જર્સ સાથે ફ્લેગ મીટિંગ કરી

બીજી તરફ, સૈનિક પીકે સિંહને પરત લાવવા માટે બીએસએફના અધિકારીઓએ અત્યાર સુધીમાં 3 વખત પાકિસ્તાન રેન્જર્સ સાથે ફ્લેગ મીટિંગ કરી ચૂક્યા છે. તેમ છતાં પાકિસ્તાન સતત વિલંબ કરી રહ્યું છે અને સૈનિકને સોંપવાનો ઈનકાર કરી રહ્યું છે. બીએસએફએ સૈનિકની સલામત વાપસી માટે પ્રયાસો તેજ કર્યા છે. અધિકારીઓ તેમના પાકિસ્તાની સમકક્ષો સાથે સતત સંપર્કમાં છે.

ભૂલથી જવાને બોર્ડર કરી દીધી ક્રોસ

તમને જણાવી દઈએ કે 182મી બટાલિયનના કોન્સ્ટેબલ પૂર્ણમ સાહુ ખેડૂતોને સરહદ નજીક વાડ તરફ લઈ જઈ રહ્યા હતા, ત્યારે તેઓ ભૂલથી પાકિસ્તાની સરહદમાં ઘૂસી ગયા અને રેન્જર્સ દ્વારા તેમને પકડી લેવામાં આવ્યા હતા. પીકે સિંહ યુનિફોર્મમાં હતા અને તેમની પાસે તેમની સર્વિસ રાઈફલ હતી. આ ઘટના બાદ BSFએ પોતાના સૈનિકને પરત લાવવાના પ્રયાસો શરૂ કર્યા છે. અનેક પ્રયાસો છતાં પાકિસ્તાન રેન્જર્સે હજુ સુધી સૈનિકને પાછો સોંપ્યો નથી અને તેના ઠેકાણા વિશે કોઈ માહિતી આપવાનો ઈનકાર કર્યો છે.

તમામ BSF યુનિટને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા

બીએસએફએ પાકિસ્તાની રેન્જર્સ સાથે ફ્લેગ મીટિંગ માટે ઘણી વિનંતીઓ કરી હતી, પરંતુ દર વખતે નિરાશા સાંપડી છે. આ ઘટના બાદ ભારત-પાકિસ્તાન સરહદ પરના તમામ BSF યુનિટને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. બીએસએફ હવે રેન્જર્સ સાથે ફિલ્ડ કમાન્ડર સ્તરની બેઠક યોજવાનો પ્રયાસ કરી રહી છે, જેથી સૈનિકને શક્ય તેટલી વહેલી તકે સુરક્ષિત રીતે ભારત પરત લાવી શકાય.

  • Follow us on: