- રાહુલ ગાંધીએ કેરળની વાયનાડ સીટ પરથી રાજીનામું આપ્યું
- બે સીટ પરથી લોકસભાની ચૂંટણી લડ્યા હતા રાહુલ ગાંધી
- બીજી તરફ પ્રોટેમ સ્પીકરને લઈને વિપક્ષનો વિરોધ
રાહુલ ગાંધીએ કેરળની વાયનાડ લોકસભા સીટ પરથી રાજીનામું આપી દીધું છે અને તેમનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે. 24 જૂન સોમવારે 18મી લોકસભાનું પ્રથમ સત્ર શરૂ થયું, ત્યારે પ્રોટેમ સ્પીકર ભર્તૃહરિ મહતાબે આ મહત્વની માહિતી આપી હતી. તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ બે સીટ પરથી લોકસભાની ચૂંટણી લડ્યા હતા અને બંને જગ્યા પર જીત મેળવી હતી, ત્યારે નિયમ મુજબ તેમને એક સીટ પરથી રાજીનામું આપવુ પડે છે.
આ સાથે વિપક્ષે 18મી લોકસભાના સત્રની શરૂઆતમાં જ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે. વિપક્ષનો આ વિરોધ પ્રોટેમ સ્પીકરને લઈને છે. ભાજપ સાંસદ ભર્તૃહરિ મહતાબને લોકસભાના પ્રોટેમ સ્પીકર બનાવવામાં આવ્યા છે. કોંગ્રેસ અને ઈન્ડિયા બ્લોકના સાંસદોએ આ અંગે પોતાનો વિરોધ નોંધાવ્યો છે.
વિરોધ પક્ષોએ શું કહ્યું?
ઈન્ડિયા ગઠબંધનનું કહેવું છે કે આ સંસદીય પરંપરા વિરુદ્ધ લેવામાં આવેલો નિર્ણય છે. કોંગ્રેસનું કહેવું છે કે કોડીકુન્નીલ સુરેશને પ્રોટેમ સ્પીકર બનાવવા જોઈએ, તેમની વરિષ્ઠતાને અવગણવામાં આવી છે.
કોડીકુંનીલ સુરેશે શું કહ્યું?
ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 18મી લોકસભાના પ્રોટેમ સ્પીકર તરીકે ભાજપ સાંસદ ભર્તૃહરિ મહતાબની નિમણૂક કરી છે. કોંગ્રેસના સાંસદ કોડીકુન્નીલ સુરેશે પણ આ અંગે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે આ કેન્દ્રની એનડીએ સરકાર દ્વારા લોકસભાની પરંપરાઓનું ઉલ્લંઘન છે. લોકસભામાં એવી પરંપરા રહી છે કે જે સાંસદ સૌથી વધુ વખત ચૂંટાય છે તે પ્રોટેમ સ્પીકર બને છે.
કે. સુરેશે કહ્યું કે ભર્તૃહરિ મહતાબ 7મી વખત સાંસદ તરીકે ચૂંટાયા છે, જ્યારે તેઓ 8મી વખત સાંસદ તરીકે ચૂંટાયા છે. કોંગ્રેસે પણ આના પર પોતાનો વિરોધ નોંધાવ્યો છે અને તેને સંસદીય પરંપરા વિરુદ્ધ લેવાયેલ નિર્ણય ગણાવ્યો છે.
કોંગ્રેસે શું કહ્યું?
આ નિર્ણય પર આકરી પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું છે કે આ સંસદીય ધોરણોને નષ્ટ કરવાનો બીજો પ્રયત્ન છે, જેમાં કોડીકુંનીલ સુરેશની જગ્યાએ ભર્તૃહરિ મહતાબ (સાત વખત સાંસદ)ને પ્રોટેમ સ્પીકર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
તેમણે કહ્યું કે કોડીકુંનીલ સુરેશ તેમના આઠમા કાર્યકાળમાં પ્રવેશ કરશે. તે એક નિર્વિવાદ ધોરણ છે કે વિધિવત ચૂંટણી પહેલા સૌથી વરિષ્ઠ સાંસદ ગૃહની કાર્યવાહીની અધ્યક્ષતા કરે છે. કે. સુરેશ સહિત લોકસભાના ઘણા અન્ય સભ્યોને પ્રોટેમ સ્પીકરની મદદ માટે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ તમામ સભ્ય લોકસભા સાંસદોને શપથ લેવડાવવામાં સહકાર આપશે.