- PM મોદીએ સરકારના કામો ગણાવ્યા
- IMF અને WHOનો કર્યો ઉલ્લેખ
- વિપક્ષને ગણાવ્યું સત્તાનું ભૂખ્યું
પ્રધાનમંત્રી મોદીએ ગુરુવારે લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપ્યો હતો. આ દરમિયાન તેમણે સરકારના કામો ગણાવ્યા હતા. પ્રધાનમંત્રીએ તેમના ભાષણમાં ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)નો પણ ઉલ્લેખ કર્યો હતો.
વિપક્ષ ભારતની સારી વાત સાંભળી શકતું નથી
PM મોદીએ કહ્યું કે, અમે એવા ઘણા બિલ લાવ્યા જે ગરીબો,દલિતો,પછાત,આદિવાસીઓ માટે હતા. તે તેમના કલ્યાણ અને ભવિષ્ય સાથે જોડાયેલા હતા, પરંતુ વિપક્ષને તેની ચિંતા નથી. આજે ભારતના યુવાનો નવું સ્ટાર્ટઅપ શરૂ કરી રહ્યા છે. કરવેરા વિશ્વને આશ્ચર્યચકિત કરે છે, ભારતમાં રેકોર્ડબ્રેક વિદેશી રોકાણ આવી રહ્યું છે અને નિકાસ નવી ઊંચાઈઓને સ્પર્શી રહી છે, પરંતુ વિપક્ષ ભારત અંગે કાંઈ સારી વાત સાંભળી શકતું નથી.
નીતિ આયોગના રિપોર્ટનો ઉલ્લેખ કર્યો
PM મોદીએ કહ્યું કે,આજે ગરીબના દિલમાં પોતાના સપના પૂર્ણ કરવાનો વિશ્વાસ પેદા થયો છે. ભારતમાં ઝડપથી ગરીબી ઘટી રહી છે. આ દરમિયાન PM મોદીએ નીતિ આયોગના રિપોર્ટને ટાંકીને કહ્યું કે, 'છેલ્લા 5 વર્ષમાં ભારતમાં સાડા તેર કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે.
IMFની રિપોર્ટ પર બોલ્યા PM મોદી
PM મોદીએ સદનને જણાવ્યું હતું કે, IMFએ તેના એક વર્કિંગ પેપરમાં લખ્યું છે કે, ભારતે અત્યંત ગરીબીને લગભગ દૂર કરી દીધી છે. તેમણે ભારતની કલ્યાણ યોજના વિશે કહ્યું છે કે, તે એક લોજિસ્ટિકલ માર્વલ છે. તેમણે કહ્યું કે, વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર, જલ જીવન મિશનના માધ્યમથી અંદાજે દેશના 4 લાખ લોકોનો જીવ બચ્યો છે. આ તમામ લોકો નીચલા વર્ગના છે.
PM મોદીએ યુનિસેફનો ઉલ્લેખ કર્યો
પ્રધાનમંત્રી મોદીએ આગળ કહ્યું કે, WHO સ્વચ્છ ભારત અભિયાનનું વિશ્લેષણ કર્યા બાદ કહે છે કે, તેણે ત્રણ લાખ લોકોને મરતા બચાવ્યા છે. આ અભિયાનથી લોકોના જીવ બચે છે, ત્યારે યુનિસેફનું કહેવું છે કે, સ્વચ્છ ભારત અભિયાનને કારણે ગરીબો માટે દર વર્ષે 50 હજાર રૂપિયાની બચત થઈ રહી છે.
વિપક્ષ પર સાધ્યું નિશાન
આ તમામ વચ્ચે PM મોદીએ વિપક્ષને આડે હાથ લેતા કહ્યું કે, વિપક્ષના કેટલાક લોકોને ભારતની આ ઉપલબ્ધિઓ પર અવિશ્વાસ છે. વિપક્ષ દૂરથી સત્યને જોઈ રહ્યું છે. આ સચ્ચાઈ વિપક્ષને નજીકથી દેખાતી નથી. અવિશ્વાસ અને લોભ વિપક્ષની નસોમાં વસી ગયા છે. વિપક્ષ જનતાનો વિશ્વાસ જોઈ શકતું નથી.