વક્ફ સંશોધન બિલ બંને ગૃહમાં પસાર થતા પીએમ મોદીએ તમામ સાંસદોનો આભાર માન્યો છે. આ અંગે તેમણે ટ્વિટ કરતા જણાવ્યું કે આ ચર્ચામાં ભાગ લેનારા તમામ સાંસદોનો આભાર, જેમણે પોતાના વિચારો વ્યક્ત કર્યા. આ કાયદો મજબૂત બનાવવામાં યોગદાન આપ્યુ. સંસદીય સમિતિને મૂલ્યાવાન અભપ્રાય આપવા બદલ અગણિત લોકોનો વિશેષ આભાર. એકવાર ફરી વ્યાપક ચર્ચા અને સંવાદના મહત્વની પુષ્ટિ થઇ છે.
વકફ બિલ લોકોને અવાજ અને તક આપશે- પીએમ મોદી
પ્રધાનમંત્રીએ કહ્યું કે દાયકાઓથી વકફ પ્રણાલીમાં પારદર્શિતાનો અભાવ હતો. આનાથી ખાસ કરીને મુસ્લિમ મહિલાઓ, ગરીબ મુસ્લિમો અને પસમાંદા મુસ્લિમોના હિતોને નુકસાન થયું. સંસદ દ્વારા પસાર કરાયેલા કાયદાઓ પારદર્શિતા વધારશે અને લોકોના અધિકારોનું રક્ષણ પણ કરશે. સામાજિક અને આર્થિક ન્યાય અને પારદર્શિતા માટે આ એક મહત્વપૂર્ણ ક્ષણ છે. લાંબા સમયથી હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોને મદદ મળશે. વકફ બિલ લોકોને અવાજ અને તક આપશે.
બંને ગૃહમાં બિલ પાસ
વકફ સુધારા બિલ સંસદના બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. લગભગ 12 કલાકની મેરેથોન ચર્ચા બાદ આ બિલ લોકસભામાં પસાર થયું. બિલના પક્ષમાં 288 મત પડ્યા જ્યારે તેની વિરુદ્ધમાં 232 મત પડ્યા. આ પછી રાજ્યસભામાં ગુરુવારે 14 કલાક લાંબી ચર્ચા થઇ. જે બાદ આ બિલ રાજ્યસભામાં પણ પસાર થયું હતું. રાજ્યસભામાં આ બિલના પક્ષમાં 128 મત પડ્યા જ્યારે તેની વિરુદ્ધ 95 મત પડ્યા. સંસદના બંને ગૃહો દ્વારા પસાર થયા પછી આ બિલ રાષ્ટ્રપતિને મોકલવામાં આવશે. રાષ્ટ્રપતિની મંજૂરી પછી તે કાયદો બનશે.
આ બિલ કોઈપણ ધર્મની વિરુદ્ધ નથી- કિરણ રિજિજૂ
સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ આ બિલ બંને ગૃહોમાં પસાર કરાવ્યું. તેમણે વકફ સુધારા બિલને એક નવી સવાર ગણાવી. રાજ્યસભામાં વક્ફ બિલ પર ચર્ચા દરમિયાન તેમણે કહ્યું કે આ બિલ સમયની જરૂરિયાત છે. તેમાં પારદર્શિતા અને જવાબદારી છે. આ બિલનું નામ 'હોપ' છે. આશા સામે કોઈને વાંધો ન હોવો જોઈએ. આ બિલ કોઈપણ ધર્મની વિરુદ્ધ નથી.
વકફ બિલ પર 1 કરોડથી વધુ લોકોએ સૂચનો આપ્યા
તેમણે કહ્યું કે અમે સારા ઇરાદા સાથે આ બિલ લાવ્યા છીએ. જેપીસીમાં વકફ બિલની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ૧૦ શહેરોની મુલાકાત લઈને બિલ પર લોકોના મંતવ્યો લેવામાં આવ્યા હતા. આ બિલ તમામ પક્ષો સાથે ચર્ચા કર્યા પછી તૈયાર કરવામાં આવ્યું હતું. વક્ફ બિલ પર 1 કરોડથી વધુ લોકોએ સૂચનો આપ્યા હતા. વકફ મિલકત પર ચાલી રહેલા વિવાદને કારણે આ બિલ જરૂરી છે. આ બિલ અંગે 284 સંસ્થાઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. વકફ મિલકત અંગે ઘણા કેસ પેન્ડિંગ છે. જે કોંગ્રેસ ન કરી શકી તે મોદી સરકાર કરી રહી છે.