ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે વક્ફ બિલ અંગે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પર આરોપોને રાજકારણ ગરમાયુ છે. જેના પર હવે ખડગેએ વળતો પ્રહાર કરીને આક્ષેપો નકારી કાઢ્યા છે. તેમણે વધુમાં એમ કહ્યું કે મારી પાસે એક ઇંચ પણ વક્ફ જમીન હોય તો સાબિત કરો હું રાજીનામુ આપી દઇશ.


આ હિંદુસ્તાન છે.. પાકિસ્તાન કે તાલિબાન નહીં

બુધવારે લોકસભામાં વકફ સુધારા બિલ રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલ પર ચર્ચા ચાલુ છે. ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે વક્ફ બિલ પર વિરોધ પક્ષોના વાંધાને લઈને આકરા પ્રહારો કર્યા છે. અનુરાગે વિપક્ષ પર વોટ બેંકની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો અને વક્ફ બોર્ડ પર જમીનો પર કબજો કરવાનો પણ આરોપ લગાવ્યો હતો. અનુરાગ ઠાકુરે પણ સ્પષ્ટ કહ્યું કે આ હિન્દુસ્તાન છે, પાકિસ્તાન કે તાલિબાન નહીં. મુઘલોના હુકમો અહીં નહી ચાલે..

અનુરાગ ઠાકુરે શું આરોપ લગાવ્યો?

મહત્વનું છે કે બુધવારે લોકસભામાં વકફ બિલ પર ચર્ચા દરમિયાન અનુરાગ ઠાકુરે કહ્યું કે ભારત વકફના ભયથી મુક્ત હોવું જોઈએ કારણ કે કોંગ્રેસના શાસન દરમિયાન બનેલા વકફ કાયદાનો અર્થ 'કોઈ હિસાબ નહીં, કોઈ ચોપડે નહીં, વકફ જે કહે તે સાચું છે' એવો હતો. વકફ બિલ પર વાત કરતી વખતે અનુરાગ ઠાકુરે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું નામ લીધું, જેના પછી ગૃહમાં હોબાળો થયો હતો.

ભાજપના સાંસદે કહ્યું હતું કે વકફ બોર્ડનો હેતુ મુસ્લિમ સમુદાયના કલ્યાણ માટે મિલકતોનું સંચાલન કરવાનો હતો, પરંતુ કોંગ્રેસ અને તેના સાથીઓએ રાજકીય સમર્થન આપીને તેને વોટ બેંકનું એટીએમ બનાવ્યું.

કોંગ્રેસ પર પ્રહાર કરતા અનુરાગ ઠાકુરે કહ્યું કે કર્ણાટકમાં થયેલા વકફ કૌભાંડમાં કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ સામેલ હતા. તેમણે કોંગ્રેસ પર વધુ પ્રહારો કરતા કહ્યું કે તે ક્યારેક જાતિના નામે તો ક્યારેક ધર્મના નામે લોકોને વિભાજીત કરે છે. કર્ણાટક વિધાનસભાના અહેવાલમાં ફક્ત એક જ નહીં પરંતુ અનેક કોંગ્રેસના નેતાઓના નામ પ્રકાશમાં આવ્યા છે જેમણે વકફ મિલકત હડપ કરી છે અને કૌભાંડ કર્યું છે. આથી તેઓ પારદર્શિતા ઇચ્છતા નથી કે જવાબ પણ સાંભળવા માગતા નથી.

મલ્લિકાર્જુન ખડગેએ માફીની કરી માંગ

અનુરાગ ઠાકુરના આ આક્ષેપો સામે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુરુવારે રાજ્યસભામાં આકરા પાણીએ જોવા મળ્યા. તેમણે કહ્યું કે જે આરોપો લગાવ્યા છે તે સાબિત કરે. સાચા સાબિત થશે તો રાજીનામુ આપી દઇશ. સાથે જ કહ્યું કે અનુરાગ ઠાકુર માફી માંગે, મારી પાસે એક ઇંચ પણ વક્ફ જમીન નથી.


  • Follow us on: