વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસીય અમેરિકાના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે શનિવારે વિલ્મિંગ્ટનમાં ક્વાડ (ક્વાટર્નરી સિક્યુરિટી ડાયલોગ) દેશોના નેતાઓની સમિટમાં ભાગ લીધો હતો. તેમણે રવિવારે લોંગ આઇલેન્ડમાં ભારતીય-અમેરિકન સમુદાયના હજારો સભ્યોની વિશાળ સભાને સંબોધિત કરી હતી. આ પછી તેમણે સોમવારે સંયુક્ત રાષ્ટ્રની 'ફ્યુચર સમિટ'ને સંબોધિત કરી હતી. તેમણે આ ત્રણ દિવસ વિશ્વના નેતાઓ સાથે દ્વિપક્ષીય ચર્ચા પણ કરી હતી. તેમની આ મુલાકાતને NDAના વરિષ્ઠ નેતાઓએ ઐતિહાસિક ગણાવી છે. ચાલો જાણીએ કોણે શું કહ્યું...


એન. ચંદ્રબાબુ નાયડૂ

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ ટ્વીટ કર્યુંને કહ્યું કે, વડાપ્રધાન મોદી અમેરિકાની સફળ મુલાકાત બાદ ભારત પરત ફર્યા ત્યારે હું તેમનું સ્વાગત કરું છું. અમે ભાગ્યશાળી છીએ કે અમને આવા રાજનેતાના નેતૃત્વમાં કામ કરવાની તક મળી છે. તેમણે રાષ્ટ્રોમાં ભારતની સ્થિતિ મજબૂત કરી છે અને સમુદાયો અને દેશોને એકસાથે લાવી નિઃશંકપણે એક મુખ્ય વિશ્વ નેતા તરીકે ઉભરી આવ્યા છે. સંયુક્ત રાષ્ટ્રમાં તેમનું સંબોધન વિશ્વના નેતાઓ માટે ભારતના મહત્વ અને આગામી વર્ષોમાં વૈશ્વિક મંચ પર આપણી ભૂમિકાના મહત્વનો પુરાવો છે.

નીતિશ કુમાર

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે ટ્વીટ કર્યુંને કહ્યું કે, 'વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની અમેરિકા મુલાકાત દરમિયાન બન્ને દેશો વચ્ચે રોકાણ વધારવા માટે લેવામાં આવેલા નિર્ણયો આવકાર્ય છે. બન્ને દેશો વચ્ચે લેવાયેલા નિર્ણયો અત્યાધુનિક ટેક્નોલોજી ક્ષેત્રોમાં રોકાણ વધારશે અને વિકાસના નવા રસ્તા ખોલશે. બિહારના લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસ દરમિયાન કરવામાં આવેલી ઘોષણાઓ અને તેનાથી ઉભી થયેલી નવી તકોને લઈને ઉત્સાહિત છે.

ચિરાગ પાસવાન

કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને કહ્યું કે, 'ભારતીય હોવાને કારણે મને વડાપ્રધાન મોદી પર ગર્વ છે. તેમની દરેક આંતરરાષ્ટ્રીય મુલાકાત માત્ર દેશ માટે સન્માન જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે આપણા દેશની મજબૂત ઓળખને પણ વધારે છે. જેમ કે, વડાપ્રધાને કહ્યું કે, આજે ભારત કંઈ કહે છે તો દુનિયા સાંભળે છે, કારણ કે ભારતે દરેક ક્ષેત્રમાં યોગદાન આપ્યું છે. વડાપ્રધાને જે રીતે અલગ-અલગ કંપનીઓના CEO સાથે મુલાકાત કરી હતી. આ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની મજબૂત ઓળખ દર્શાવે છે. ક્વાડ સમિટમાં વિવિધ વિષયો પર પણ ચર્ચા કરવામાં આવી હતી. આ એક મજબૂત ભારત, વિકસિત ભારત તરફ એક પગલું છે. આ માટે હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનું છું અને આ યાત્રાને સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ અભિનંદન આપું છું.

જીતન રામ માંઝી

કેન્દ્રીય મંત્રી જીતન રામ માંઝીએ કહ્યું કે, 'વૈશ્વિક નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની ત્રણ દિવસીય અમેરિકાની મુલાકાત પૂરી કરીને આજે ભારત પરત ફરી રહ્યા છે. તેમની ત્રણ દિવસની મુલાકાત દરમિયાન તેમણે ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રમાં ક્વાડ લીડર્સ સમિટ અને સમિટ ફોર ધ ફ્યુચર (SOTF)માં ભાગ લીધો હતો, તેની સાથે તેમની મુલાકાત દરમિયાન યોજાયેલી મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠકો પ્રગતિ માટે સાર્થક રહેશે.

જેપી નડ્ડા

કેન્દ્રીય મંત્રી અને ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીની યુએસ મુલાકાત તેના સ્કેલ અને તેના પરિણામોની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ અને અર્થપૂર્ણ રહી છે. દરેક ભારતીયને ગર્વ છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને ડેલાવેયર સ્થિત તેમના નિવાસસ્થાને પીએમ મોદીની યજમાની કરી હતી. વિશ્વના સૌથી જૂના અને સૌથી મોટા લોકશાહી દેશોના નેતાઓ વચ્ચે આ સતત જોડાણ વૈશ્વિક શાંતિ અને સુખાકારી માટે મહાન છે. ભારતના આરોગ્ય મંત્રી તરીકે મને ક્વાડ લીડર્સ દ્વારા કેન્સર મૂનશોટ ઇનિશિયેટિવ લોન્ચ કરવામાં ખૂબ આનંદ થાય છે. આ કેન્સર સામેની લડાઈને મજબૂત કરશે અને વિશ્વભરના લાખો લોકોના જીવનને અસર કરશે.

મોહન યાદવ

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે કહ્યું કે, 'વડાપ્રધાન મોદીની અમેરિકાની મુલાકાત ખૂબ જ સફળ રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે આપણા વડાપ્રધાનની મુલાકાત અને 'ફ્યુચર સમિટમાં વડાપ્રધાન મોદીનું ભાષણ ભારતની વધતી જતી વિશ્વસનીયતા દર્શાવે છે. વડાપ્રધાન સાચા વૈશ્વિક નેતા છે. કોરોના દરમિયાન પણ આખી દુનિયાએ પીએમ મોદીના નેતૃત્વને સ્વીકાર્યું છે. એક પૃથ્વી, એક કુટુંબ, એક ભવિષ્યની તેમની દ્રષ્ટિ વૈશ્વિક શાંતિ અને માનવતાની સુખાકારી માટે માર્ગ મોકળો કરે છે. મધ્યપ્રદેશ પીએમ મોદીના માર્ગદર્શન હેઠળ વિશ્વ નેતા તરીકે ભારતની ભૂમિકાને મજબૂત કરવાના દરેક પ્રયાસમાં મક્કમપણે ઊભું છે. અમને ગર્વ છે કે વડાપ્રધાન મોદી સાથે મળીને અમે દરરોજ નવા આયામો સ્થાપિત કરી રહ્યા છીએ.

  • Follow us on: