• ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનને લઈને ફરી એકવાર વિવાદ 
  • EVMને લઇ અફવા ફેલાવવામાં આવી રહી છે: EC
  • શિંદે જૂથના સાંસદ રવિન્દ્ર વાયકરના સંબંધી વિરુદ્ધ કેસ નોંધ્યો

ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)ને લઈને ફરી એકવાર વિવાદ ઉભો થયો છે. મુંબઈ પોલીસે શિવસેના શિંદે જૂથના સાંસદ રવિન્દ્ર વાયકરના સંબંધી વિરુદ્ધ કેસ નોંધ્યા બાદ EVMની વિશ્વસનીયતા ફરી એકવાર પ્રશ્નના ઘેરામાં આવી છે. તેના પર વિપક્ષી નેતાઓએ ચૂંટણી પંચ અને સરકાર પર નિશાન સાધ્યું છે. આ ઉપરાંત, ટેસ્લાના માલિક એલોન મસ્ક અને ભૂતપૂર્વ કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી પ્રધાન રાજીવ ચંદ્રશેખર ઇવીએમના મુદ્દે સામસામે આવી ગયા છે. આ મામલો વધતો જોઈને ભારતના ચૂંટણી પંચે પણ મુંબઈ મુદ્દાને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી હતી.

EVM વિવાદને લઇ અફવા ફેલાવવામાં આવી રહી છે: EC

EVM વિવાદને લઇ ECએ કહ્યું હતું કે, EVM અનલોક કરવા માટે OTPની જરૂર નથી. EVMને લઇ અફવા ફેલાવવામાં આવી રહી છે. ફોનના આરોપની પોલીસ તપાસ કરશે. EVM કોઇ ડિવાઇસથી કનેક્ટ નથી થતું. જોકે સમગ્ર મામલે તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. ખોટી માહિતી આપનાર સામે કાર્યવાહી કરવામાં આવશે.

ચૂંટણી પંચે મહારાષ્ટ્રમાં ઈવીએમ હેક કરવાના આરોપને સંપૂર્ણપણે ફગાવી દીધા છે. મહારાષ્ટ્રમાં ઈવીએમ મોબાઈલ ફોન સાથે જોડાયેલા હોવાના આક્ષેપો થયા છે. મહારાષ્ટ્રમાં ચૂંટણી પંચના રિટર્નિંગ ઓફિસર વંદના સૂર્યવંશીએ રવિવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે આજે જે સમાચાર આવ્યા છે તેના વિશે કેટલાક લોકોએ ટ્વિટ કર્યું છે. EVM અનલોક કરવા માટે OTPની જરૂર નથી. EVM ઉપકરણ કોઈની સાથે જોડાયેલ નથી. EVM એક સ્વતંત્ર સિસ્ટમ છે. સમાચાર સાવ ખોટા છે. અમે પેપરને નોટિસ જારી કરી છે. આઈપીસીની કલમ 499 હેઠળ માનહાનિનો કેસ નોંધવામાં આવ્યો છે.

શું છે સમગ્ર મામલો?

મુંબઈ પોલીસે રવિવારે શિવસેના શિંદે જૂથના સાંસદ રવિન્દ્ર વાયકરના સાળા વિરુદ્ધ કેસ નોંધ્યો છે. લોકસભા ચૂંટણીની મતગણતરીનાં દિવસે ગોરેગાંવ ચૂંટણી કેન્દ્રની અંદર પ્રતિબંધ હોવા છતાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાના આરોપમાં પોલીસે આ FIR નોંધી છે. આ સાથે પોલીસે મંગેશ પાંડિલકરને મોબાઈલ ફોન આપવા બદલ ચૂંટણી પંચના કર્મચારી વિરુદ્ધ પણ કેસ નોંધ્યો છે.

નોર્થ વેસ્ટ સીટ પરથી ચૂંટણી લડી રહેલા ઘણા ઉમેદવારોએ આ મામલે ચૂંટણી પંચને ફરિયાદો મળી હતી, જેના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. રવિન્દ્ર વાયકર ઉત્તર પશ્ચિમ બેઠક પરથી રિકાઉન્સિલિંગ બાદ માત્ર 48 મતથી ચૂંટણી જીત્યા હતા, જેના કારણે મત ગણતરી દરમિયાન પણ ઘણો વિવાદ થયો હતો. 

  • Follow us on: