દિલ્હીમાં આવેલુ રાષ્ટ્રપતિ ભવન. જેને જોવાની દરેક લોકોની ઇચ્છા હોય. દરેક વ્યક્તિ જોવા આતુર હોય કે રાષ્ટ્રપતિ ભવનમાં કેવુ હશે. પણ શું ક્યારેય એવુ જોયુ છે કે રાષ્ટ્રપતિ ભવનમાં શરણાઇ વાગતી હોય ? જી, હા રાષ્ટ્રપતિ ભવનમાં શરણાઇનો અવાજ સાંભવળવા મળશે. કારણ કે દ્રૌપદી મુર્મુની સુરક્ષામાં તૈનાત પીએસઓ પૂનમ ગુપ્તાના લગ્ન થવાના છે અને તે પણ રાષ્ટ્રપતિ ભવનમાં.
રાષ્ટ્રપતિ ભવનમાં લગ્ન સમારોહ
પીએસઓ પૂનમ ગુપ્તા અને સીઆરપીએફ અધિકારી અવનીશ સિંહને રાયસીના રાષ્ટ્રપતિ ભવનમાં લગ્ન કરવાની પરવાનગી મળી ગઈ છે. આ બંને આ મહિને વેલેન્ટાઇન વીકમાં લગ્ન કરવાના છે. આ લગ્ન 12 ફેબ્રુઆરીના રોજ કેટલાક મહાનુભાવોની હાજરીમાં થવાના હોવાની માહિતી મળી છે. મળતી માહિતી મુજબ રાષ્ટ્રપતિની સુરક્ષામાં તૈનાત પૂનમ ગુપ્તાએ મહામહિમ દ્રૌપદી મુર્મુ પાસેથી રાષ્ટ્રપતિ ભવનમાં જ લગ્ન કરવાની પરવાનગી માંગી હતી. પરવાનગી મળ્યા બાદ હવે રાષ્ટ્રપતિ ભવનમાં લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પૂનમ અહીં તેના મિત્ર અવનીશ સાથે સાત ફેરા લેશે.
કોણ છે પૂનમ ગુપ્તા ?
રાષ્ટ્રપતિની સુરક્ષામાં તૈનાત પૂનમ UPSC દ્વારા કેન્દ્રીય સુરક્ષા દળમાં જોડાઈ છે. 2018 માં તેમને સહાયક કમાન્ડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. પૂનમે બિહારમાં નક્સલી ઓપરેશનમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. પૂનમે 74મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે મહિલા ટુકડીનું નેતૃત્વ પણ કર્યું હતું.
રાષ્ટ્રપતિ ભવનમાં છે 340 રૂમ
300 એકરમાં ફેલાયેલું રાષ્ટ્રપતિ ભવન બ્રિટિશ શાસન દરમિયાન બનાવવામાં આવ્યું હતું. એડવિન લુટિયન્સે આ ઇમારતની ડિઝાઇન બનાવી હતી. આઝાદી પહેલા આ ઇમારત વાઇસરોયને ફાળવવામાં આવી હતી, પરંતુ આઝાદી પછી, ભારતના રાષ્ટ્રપતિને આ ઇમારત મળી. રાષ્ટ્રપતિ ભવનમાં 340 રૂમ છે.
આ ભવનમાં અત્યાર સુધીમાં ઘણીવાર ભોજન સમારંભોનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ તે ફક્ત રાજકીય ભોજન સમારંભ જ હતા. પરંતુ હવે આવુ પહેલીવાર બનશે કે રાષ્ટ્રપતિ ભવનમાં લગ્ન સમારોહનું આયોજન થઈ રહ્યું હોય. આ સમારોહ મધર ટેરેસા ક્રાઉન કોમ્પ્લેક્સ ખાતે યોજાશે. આ નિર્ણય સુરક્ષાના દૃષ્ટિકોણથી લેવામાં આવ્યો છે. જો કે આ અંગે રાષ્ટ્રપતિ ભવન દ્વારા કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.