ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં જાન્યુઆરીમાં કુંભનો મેળો યોજાવાનો છે. જેમાં લાખોની સંખ્યામાં લોકો આવી પહોંચે છે. આ મેળો વિશ્વનો સૌથી મોટો ધાર્મિક મેળો માનવામાં આવે છે. ત્યારે આ મેળામાં આવવા માટે કોઇ પણ અગવડ ન પડે તે માટે સરકાર સજ્જ છે. રેલવે મંત્રાલય દ્વારા આ માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ અંગે એક્સ પર માહિતી શેર કરી છે.


સ્પેશિયલ ટ્રેનની સંખ્યા 992 પહોંચી

રેલવે મંત્રીએ પોસ્ટ કરતા કહ્યું કે કુંભ મેળો - વિશ્વનો સૌથી મોટો ધાર્મિક મેળાવડો છે. ભારતીય રેલ્વે કુંભ મેળા 2025 માટે શ્રદ્ધાળુઓ માટે રેકોર્ડ ટ્રેનો, અપગ્રેડ કરેલ ટ્રેક અને વધુ સારી સુવિધાઓ પ્રદાન કરવા માટે તૈયાર છે! આ સાથે જે તેમણે એક પછી એક સાત પોસ્ટમાં ટ્રેન વિશે જાણકારી આપી હતી. ત્યારે કુંભ મેળામાં જવા માટે ભક્તોને સ્હેજ પણ ટ્રેનને લઇને મુશ્કેલી નહી પડે . કારણ કે પ્રયાગરાજમાંથી દરરોજ 140 ટ્રેનો દોડાવવામાં આવશે. વિશેષ ટ્રેનો માટે 174 રેકનું આયોજન કરવામાં આવ્યું હોવાની રેલવે મંત્રીએ જાણકારી આપી છે.


વિશેષ ટ્રેનની સંખ્યામાં વધારો

 મેમુ અથવા ડેમૂ ટ્રેનમાં 16 કોચ હોય છે અને લાંબા અંતરની ટ્રેનોમાં 20 કોચ હોય છે. વિશેષ ટ્રેનોની સંખ્યા 2019 માં 695 થી વધારીને 2025 માં 992 કરવામાં આવી છે. આ સાથે જ તેમણે સ્પેશિયલ ટ્રેનની વધતી સંખ્યા વિશે માહિતી આપતા જણાવ્યું કે 2019માં સામાન્ય ટ્રેનોની સંખ્યા 5000 હતી જે 2025માં 6580 થઈ જશે. અશ્વિની વૈષ્ણવે વધુમાં એમ પણ કહ્યું કે મુસાફરોની સુવિધા માટે તમામ કામ કરવામાં આવી રહ્યા છે અનેક રૂટ પર બીજી લાઇન નાખવાનું કામ પણ પૂર્ણ કર્યું છે

પાયાની સુવિધાઓ માટે 933 કરોડનું બજેટ

રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર વિશેષ ટ્રેનો ચલાવવા ઉપરાંત મંત્રાલયે મુસાફરો માટે વિવિધ માળખાકીય સુવિધાઓ અને સુવિધાઓના નિર્માણ અને અપગ્રેડેશન માટે રૂ. 933 કરોડ ફાળવ્યા છે. આ ઉપરાંત પ્રયાગરાજ ડિવિઝન અને આસપાસના વિસ્તારોમાં ટ્રેનોની સરળ અવરજવર માટે રૂ. 3,700 કરોડના ખર્ચે રેલ્વે ટ્રેકને ડબલ કરવાનું કામ ઝડપથી કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને રેલ્વે રાજ્યના બે મંત્રીઓ રવનીત સિંહ બિટ્ટુ અને વી સોમન્નાએ 12 જાન્યુઆરીથી શરૂ થનારી ઈવેન્ટ દરમિયાન ભક્તોની વિશાળ ભીડને સંભાળવા માટેની વ્યવસ્થાઓની સમીક્ષા કરવા શનિવારે બેઠક યોજી હતી.

કરોડોની સંખ્યામાં ભક્તો ઉમટશે 

અધિકારીના જણાવ્યા અનુસાર પ્રયાગરાજ, વારાણસી, દીન દયાલ ઉપાધ્યાય અને લખનૌ જેવા સંબંધિત રેલ્વે વિભાગોના વિભાગીય પ્રબંધકો પણ વિવિધ વિકાસ કાર્યો પર નિયમિત અપડેટ્સ પ્રદાન કરવા માટે આ બેઠકોમાં ભાગ લે છે. આ કાર્યક્રમમાં 30 થી 50 કરોડ ભક્તોની હાજરીની અપેક્ષા છે, તેથી રેલ્વે મંત્રાલયે પ્રયાગરાજ માટે વિવિધ શહેરોમાંથી 6,580 નિયમિત ટ્રેનો ઉપરાંત 992 વિશેષ ટ્રેનો ચલાવવાની યોજના બનાવી છે.


  • Follow us on: