- રાષ્ટ્રપતિએ કાશ્મીર યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓ સાથે કરી વાતચીત
- ભારતીય સેનાનાં યુદ્ધ સ્મારક પર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
- છાત્રોને શિક્ષણ સાથે સમાજ સેવામાં ભાગ લેવાનો આગ્રહ કર્યો
ભારતનાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરની પોતાની બે દિવસની યાત્રા દરમિયાન બુધવારનાં રોજ સવારે શ્રીનગર પહોંચ્યા હતાં. આ જમ્મુ કશ્મીરની તેમની પ્રથમ યાત્રા છે.
કાશ્મીરનો વારસો બચાવવા અપીલ
દીક્ષાંત સમારોહમાં રાષ્ટ્રપતિએ કાશ્મીરનો વારસો જાળવી રાખવા અપીલ કરી હતી. તેમણે કાશ્મીર યુનિવર્સિટીનાં જૂના વિદ્યાર્થીઓનો પણ ઉલ્લેખ કર્યો જેમને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.
જમ્મુ કાશ્મીરનાં રાજ્યપાલે કર્યું સ્વાગત
જમ્મુ કાશ્મીરનાં રાજ્યપાલ મનોજ સિન્હા તેમજ અન્ય વરિષ્ઠ અધિકારીઓએ તેમનું ખૂબજ ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યુ હતું. પોતાના આગમન બાદ રાષ્ટ્રપતિએ તરત જ ભારતીય સેનાનાં શ્રીનગરમાં આવેલા ચિનાર કોરનાં મુખ્યાલયમાં યુદ્ધ સ્મારક પર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
કાશ્મીરનાં યુવાનો પર ગર્વ
કાશ્મીર યુનિવર્સિટીમાં રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે તેમને કાશ્મીરનાં યુવાનો પર ગર્વ છે. તેમણે કાશ્મીર યુનિવર્સિટીનાં છાત્રોને તેમના શિક્ષણ સાથે સમાજ સેવામાં પણ સક્રિય રીતે ભાગ લેવાનો આગ્રહ કર્યો હતો.
યુનિવર્સિટીની વિદ્યાર્થીનીઓનાં વખાણ
રાષ્ટ્રપતિએ યુનિવર્સિટીની વિદ્યાર્થીનીઓનાં વખાણ કરતાં જણાવ્યું હતું કે મને એ જાણીને ગર્વ થાય છે કે કાશ્મીર યુનિવર્સિટીમાં 55 ટકા વિદ્યાર્થીનીઓ છે. જેમાં ગોલ્ડ મેડલ અને ઉપહાર જીતવાવાળાઓની કુલ સંખ્યામાં લગભગ 65 ટકા છોકરીઓનો સમાવેશ થાય છે.
નવી પેઢી પર વિશેષ જવાબદારી
રાષ્ટ્રપતિએ કહ્યું કે આપણા દેશમાં નારી શક્તિ વંદન અધિનિયમ 2023 મહિલા નેતૃત્વવાળા વિકાસની દિશામાં એક ક્રાંતિકારી પગલું સાબિત થશે. સતત થતો વિકાસ એ કાશ્મીરની વિરાસતનો એક હિસ્સો છે. ધરતીનાં આ સ્વર્ગને બચાવી રાખવું આપણા દરેકની જવાબદારી છે. જવાન પેઢીને ખાસ કરીને આ જવાબદારી નિભાવવી પડશે.