• જાણો શું છે ઈઝરાયેલ-પેલેસ્ટાઈન યુદ્ધ પર કોંગ્રેસનું સ્ટેન્ડ?

  • ભાજપ ખુલ્લેઆમ કરી રહ્યું છે ઇઝરાયલનું સમર્થન
  • કોંગ્રેસના પ્રસ્તાવને ભાજપ ગણાવી રહ્યું છે લઘુમતી વૉટબેંક

ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં ફોસ્ફરસ બોમ્બનો ઉપયોગ થઈ રહ્યો હોય, પરંતુ ભારતમાં તેને લઈને રાજકારણ તેજ થઈ ગયું છે. PM મોદીની આગેવાની હેઠળની સરકારે હમાસની ટીકા કરતાં ઇઝરાયલનું સમર્થન કર્યું. ત્યારે, કોંગ્રેસ પેલેસ્ટિનિયન નાગરિકોના અધિકારોની વાત કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે ભારત દરેક પ્રકારના આતંકવાદની નિંદા કરે છે. આ મુશ્કેલ સમયમાં ભારતના લોકો ઈઝરાયેલની સાથે મજબૂતીથી ઉભા છે.

સરકારના આ વલણ બાદ હવે ભારતમાં રાજકીય ઘમાસાણ તેજ થઈ ગયું છે. ઈઝરાયેલ અને હમાસ વચ્ચેની લડાઈએ ભારતમાં ભાજપ કોંગ્રેસ વચ્ચેના યુદ્ધનું સ્વરૂપ લઈ લીધું છે. ભાજપ ખુલ્લેઆમ ઇઝરાયલને સમર્થન કરી રહ્યું છે, જ્યારે કોંગ્રેસ પેલેસ્ટિનિયન નાગરિકોના અધિકારની વાત કરી રહ્યું છે. ભાજપે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે ત્યારે કોંગ્રેસ અગાઉની સરકારોના વલણ અને જૂના નેતાઓના નિવેદનોને યાદ કરાવી રહી છે.

ઈઝરાયેલ-પેલેસ્ટાઈન યુદ્ધ પર શું છે કોંગ્રેસનું સ્ટેન્ડ?

કોંગ્રેસના રાજ્યસભા સાંસદ જયરામ રમેશે આ અંગે સંતુલિત પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. જયરામ રમેશે ઈઝરાયેલ પર હમાસના હુમલાની નિંદા કરી પરંતુ સાથે સાથે પેલેસ્ટાઈનના નાગરિકોના અધિકારોની પણ વાત કરી હતી. કોંગ્રેસના આ સ્ટેન્ડનો પક્ષમાં જ વિરોધ શરૂ થઈ ગયો હતો. કોંગ્રેસે બાદમાં CWC બેઠકમાં એક ઠરાવ પસાર કરીને તાત્કાલિક યુદ્ધવિરામની હાકલ કરી હતી અને કહ્યું હતું કે અમે પેલેસ્ટિનિયન નાગરિકોના જમીન, સ્વ-શાસન અને સ્વાભિમાનના અધિકાર માટે અમારા લાંબા ગાળાના સમર્થનનો પુનરોચ્ચાર કરીએ છીએ.

CWC દ્વારા ઠરાવ પસાર કરવામાં આવ્યા પછી, કોંગ્રેસ ભાજપના નેતાઓના નિશાને આવી ગયું. તેજસ્વી સૂર્યાથી લઈને મનોજ તિવારી સુધીના ભાજપના નેતાઓએ કોંગ્રેસ પર આતંકવાદને સમર્થન આપવાનો આરોપ લગાવવાનું શરૂ કર્યું. તેજસ્વી સૂર્યાએ પોસ્ટ કરી કહ્યું કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા તે પહેલા ભારતની વિદેશ નીતિ કેવી રીતે લઘુમતી વોટ બેંકની રાજનીતિમાં બંધક બનેલી હતી, CWCમાં પસાર થયેલો ઠરાવ એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

કોંગ્રેસે યાદ અપાવ્યું અટલ બિહારી વાજપેયીનું વલણ

ભાજપના નેતાઓ જે રીતે કોંગ્રેસના પ્રસ્તાવને લઘુમતી વોટ બેંકની રાજનીતિ અને આતંકવાદના સમર્થન સાથે જોડી રહ્યા છે, તેને લઈને કહેવાઈ રહ્યું છે કે કોંગ્રેસ શરૂઆતથી જ સંતુલિત વલણ અપનાવી રહી છે. કોંગ્રેસના જયરામ રમેશે એક નિવેદનમાં હમાસના હુમલાની નિંદા કરી હતી, જ્યારે પક્ષે CWC દ્વારા પસાર કરાયેલા ઠરાવમાં હમાસ અથવા ઈઝરાયેલનો ઉલ્લેખ કરવાનું ટાળ્યું હતું.


  • Follow us on: