- રાહુલ ગાંધીએ સ્મૃતિ ઇરાનીના બચાવમાં કર્યુ ટ્વિટ
- સ્મૃતિ ઇરાનીએ આજે સરકારી બંગલો કર્યો ખાલી
- રાહુલ ગાંધીએ કરી ખાસ અપીલ
લોકસભાની ચૂંટણીમાં અમેઠીમાં સ્મૃતિ ઇરાનીએ હારનો સામનો કરવો પડ્યો હતો. આ બેઠક ફરી એકવાર કોંગ્રેસના હાથમાં આવી છે. સ્મૃતિ ઇરાનીએ હાર થતા સરકારી બંગલો ખાલી કરી દીધો છે. તેમણે સરકારી બંગલો ખાલી કરતા સોશિયલ મીડિયા પર લોકો ટિપ્પણીઓ કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ તેમના બચાવમાં એક ટ્વિટ કર્યુ છે.
હાર-જીત તો જીવનનો એક ભાગ- રાહુલ ગાંધી
તેમણે ટ્વિટ કરીને લોકોને અપીલ કરી છે કે સ્મૃતિ ઇરાની વિશે અપમાન જનક ભાષાનો ઉપયોગ ન કરો. રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે જીત અને હાર તો જીવનનો એક ભાગ રહ્યો છે. હું તમામને આગ્રહ કરુ છું કે તેઓ સ્મૃતિ ઇરાની વિશે અપમાન જનક ભાષાનો ઉપયોગ ન કરો.આ પ્રકારનું વર્તન કરવું ન જોઇએ તેમ જણાવ્યું.
રાહુલ ગાંધીએ કરી અપીલ
તેમણે વધુમાં કહ્યું કે લોકોને નીચા દેખાડવા અને અપમાનિત કરવા એ શક્તિની નહીં પણ નબળાઈની નિશાની છે. મહત્વનું છે કે અમેઠીથી ચૂંટણી હાર્યા બાદ સ્મૃતિ ઈરાનીને સોશિયલ મીડિયા પર સતત ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. તેને ધ્યાનમાં રાખીને રાહુલ ગાંધીએ તમામને વિનંતી કરીને આ અપીલ કરી છે. 2024ની લોકસભા ચૂંટણીમાં સ્મૃતિ ઈરાનીને અમેઠીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.
બંગલાની ફાળવણીને લઈને યોજાઇ બેઠક
કહેવામાં આવી રહ્યું છે કે સ્મૃતિ ઈરાનીની સાથે ચાર પૂર્વ કેન્દ્રીય મંત્રીઓએ પણ લ્યુટિયન્સ દિલ્હીમાં પોતાનો સરકારી બંગલો ખાલી કર્યો છે. બીજી તરફ સરકારમાં સામેલ થનારા નવા મંત્રીઓને બંગલા ફાળવવા અંગે પણ ગુરુવારે બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ એવી ચર્ચા થઈ હતી કે કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી મનોહર લાલ ખટ્ટરને કૃષ્ણ મેનન માર્ગ પર સ્થિત બંગલો આપવામાં આવે તેવી શક્યતા છે. આ બંગલો અગાઉ પૂર્વ કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમરનો હતો.
અમેઠી બેઠક પર 2019માં મેળવી હતી જીત
તાજેતરમાં પૂર્ણ થયેલી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના કિશોરી લાલ શર્માએ અમેઠી બેઠક પરથી સ્મૃતિ ઈરાનીને 1.5 લાખથી વધુ મતોના માર્જિનથી હરાવ્યા હતા. આ પહેલા 2019ની લોકસભા ચૂંટણીમાં સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને હરાવીને મોટી જીત મેળવી હતી. આ પછી તેમને સરકારમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી બનાવવામાં આવ્યા.