- રાજસ્થાન બીજેપી સંગઠનમાં પરિવર્તનની સંભાવના
- સીપી જોશી રાજીનામુ આપે તેવી સંભાવના
- ચિત્તોડગઢના છે સાંસદ
રાજસ્થાન ભાજપ સંગઠનમાં નેતૃત્વ પરિવર્તનની શક્યતા છે. રાજ્ય સંગઠનની કમાન ઓબીસીને સોંપવાની ચર્ચા ચાલી રહી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીપી જોશીએ રાજીનામું આપવાની રજૂઆત કરી છે. તેઓ ચિત્તોડગઢના સાંસદ પણ છે.
તો બીજેપી પ્રદેશ પ્રમુખ કોણ ?
સીપી જોશીને ગયા વર્ષે માર્ચમાં રાજસ્થાન બીજેપીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. રાજ્યમાં મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અને પ્રદેશ અધ્યક્ષ સીપી જોશી, બંને બ્રાહ્મણ છે, તેથી ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે ઓબીસીને બનાવી શકે છે.ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ માટે મદન રાઠોડ, પ્રભુલાલ સૈની અને રાજેન્દ્ર ગેહલોતના નામની ચર્ચા થઈ રહી છે. મદન રાઠોડ અને રાજેન્દ્ર ગેહલોત રાજ્યસભામાંથી જ્યારે સૈની બુંદીથી લોકસભાના સાંસદ છે. ત્રણેય ઓબીસી વર્ગમાંથી આવે છે.
ચિત્તોડગઢમાંથી લડ્યા લોકસભાની ચૂંટણી
સીપી જોશીએ રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી બાદ અને ફરીથી જ્યારે તેઓ ચિત્તોડગઢથી લોકસભા ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે રાજીનામું આપવાની રજૂઆત કરી હતી. સીપી જોશીએ ભાજપ હાઈકમાન્ડને કહ્યું હતું કે તેમનું રાજીનામું એક વ્યક્તિ, એક પદની ફોર્મ્યુલા હેઠળ સ્વીકારવામાં આવે.
રાજસ્થાનની પેટાચૂંટણી યોજાશે
મહત્વનું છે કે રાજસ્થાનમાં આગામી થોડા દિવસોમાં પાંચ સીટો પર પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે. આવી સ્થિતિમાં ભાજપ આ ચૂંટણી માટે કોઈ કસર છોડવા માંગતી નથી. 2019ની સરખામણીમાં લોકસભા ચૂંટણીમાં પાર્ટીનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું. તેની પાછળ જ્ઞાતિ સમીકરણ સહિતના અનેક કારણો હોવાનું માનવામાં આવે છે ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં 25 બેઠકોમાંથી ભાજપ માત્ર 14 બેઠકો જીતી શકી હતી. 2019ની ચૂંટણીમાં ભાજપે તમામ બેઠકો જીતી હતી. આ વખતે કોંગ્રેસ 8 અને તેના સહયોગીઓએ ત્રણ બેઠકો જીતી છે.